Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થના ટેકનિકલ કર્મચારીઓનું પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ટેક્નિકલ સ્ટાફ એસોસિએશને ગાંધી જયંતીના દિવસથી આંદોલનના મંડાણ કર્યા છે. ગ્રેડ-પે અને ટ્રાન્સફર અલાઉન્સ સહિતની 11 માંગો સાથે સોમવારે જાહેર રજાના દિવસે અંદાજીત 400 જેટલા કર્મીઓ એકત્રિત થઈ દેખાવો કર્યા હતા.હવે તો 5 ઓક્ટોબરે પે ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ગુજરાતમાં ટેટ-ટાટના ઉમેદવારો,  શિક્ષકો, તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના હેલ્થ વિભાગના ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓએ પોતાની અલગ અલગ 11 મંગણીઓને લઈ બાયો ચઢાવી છે. 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીથી આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો પેન ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. મ્યુનિના હેલ્થ ટેક્નિકલ સ્ટાફ એસોસિએશને ગ્રેડ-પે અને ટ્રાન્સફર અલાઉન્સ સહિતની 11 માંગો સાથે સોમવારે જાહેર રજાના દિવસે અંદાજીત 400 જેટલા કર્મચારીઓ એકત્રિત થઈ દેખાવો કર્યા હતા. મ્યુનિ.ના કેમ્પસમાં આવેલા મંદિરમાં દર્શન કરી કર્મચારીઓએ આંદોલનની શરૂઆત કરી હતી.. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 5 ઓક્ટોબરે પે ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

અમદાવાદ મ્યુનિના હેલ્થ ટેક્નિકલ સ્ટાફ એસોસિએશન દ્વારા એવી માગણી કરવામાં આવી છે. કે,  એએમસીમાં ફરજ બજાવતા સેનેટરી સ્ટાફની ભરતી અન્ય કોર્પોરેશનની જેમ જ કરવામાં આવે છે. પરંતુ અન્ય મ્યુનિ. કોર્પોરેશનમાં સેનેટરી સ્ટાફને અમદાવાદ મ્યુનિ.ના સ્ટાફ કરતા ઉચ્ચ પગાર ગ્રેડ આપવામાં આવે છે. જે મુજબ અમદાવાદ મ્યુનિ.ના સેનેટરી સ્ટાફને પણ ઉચ્ચ ગ્રેડ પે અપડેટ કરી આપવો જોઈએ. તેમજ સેનેટર સ્ટાફને રાજ્ય સરકારના નિયમો મુજબ મળવા પાત્ર ટ્રાન્સપોર્ટ અને વહિકલ એલાઉન્સ આપવું જોઈએ. સેનેટરી સ્ટાફના જોબ ચાર્ટમાં ઢોર પકડવાની કામગીરી ના આવતી હોવા છતાં તેમને સોંપવામાં આવે છે, ઢોર પકડવાની કામગીરીમાંથી સેનેટરી સ્ટાફને દૂર કરવામાં આવે.અને એએમસીમાં ખાલી જગ્યાઓ પર સેનેટરી સ્ટાફની ભરતી કરવી, જ્યાં સુધી ભરતી ના થાય ત્યાં સુધી અત્યારે ડબલ ચાર્જમાં રહેલા સ્ટાફને ડબલ પગાર આપવો જોઈએ. આ ઉપરાંત દરેક વોર્ડમાં સેનેટરી ક્વાર્ટર અને સ્ટાફ માટે 10 લાખના વીમો. તથા  પબ્લિક ડીલ સમયે થતા વિવાદોને કારણે સેનેટરી સ્ટાફ માટે સુરક્ષા માટેની ચોક્કસ નીતિ બનાવવી જોઈએ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સેનેટરી સ્ટાફને 35 કેઝ્યુઅલ રજા મળવા પાત્ર છે જે નથી મળતી, રજા ના મળે તો વર્ષના અંતમાં રોકડમાં રૂપાંતર આપવી જોઈએ.

એએમસીની મુખ્ય કચેરી ખાતે દેખાવો કરી હેલ્થ ટેકનિકલ સ્ટાફે પોતાના આંદોલનની શરૂઆત કરી છે. આજે અને કાલે હેલ્થ કર્મચારીઓ સફેદ શર્ટ પહેરી હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે. કાલે ચોથી ઓક્ટોબરે તમામ કર્મચારીઓ દાણાપીઠ ઓફિસ ખાતે દેખાવો કરશે. જો માગણીઓ પૂર્ણ નહીં થાય તો 5 ઓક્ટોબરે હેલ્થ ટેકનિકલ સ્ટાફ પેન ડાઉન તેમજ છઠ્ઠી ઓક્ટોબરે માસ સીએલ અને ત્યારબાદ અનિશ્ચિતકાળની હડતાળની ચીમકી આપવામાં આવી છે.