Site icon Revoi.in

લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ લાગુ

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે  ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે. આજે તા.15મી માર્ચને શુક્રવારને સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થશે,

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નવા ભાવ આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. અગાઉ, કેન્દ્રએ 21 મે, 2022ના રોજ કિંમતોમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે.

કેન્દ્ર સરકારના નિર્ણય પહેલા રાજસ્થાનની ભજનલાલ સરકારે પોતાની કેબિનેટની બીજી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો મોટો નિર્ણય લીધો હતો. રાજસ્થાન સરકારે વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. રિપોર્ટ અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 10 રૂપિયાની કમાણી કરી રહી છે, જે તેઓ ગ્રાહકોને આપી શકે છે. ઓઈલ કંપનીઓએ છેલ્લે એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.

હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના પગલાથી ફુગાવાને ઘટાડવામાં મદદ મળી શકે છે અને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા તે મહત્વપૂર્ણ બની શકે છે.

સૂત્રોના કહેવા મુજબ છેલ્લા એક વર્ષમાં કાચા તેલની કિંમતોમાં લગભગ 15%નો ઘટાડો થયો છે. આ સાથે, ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો ચોખ્ખો નફો ત્રીજા ક્વાર્ટરમાં ₹75,000 કરોડને વટાવી જવાની શક્યતા છે.