Site icon Revoi.in

અમદાવાદના એરપોર્ટને દુલ્હનની જેમ શણગારાયું, સમૃદ્ધ વારસાના દર્શન કરાવતી કૃતીઓ મુકાઈ

Social Share

અમદાવાદ :  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. નવા વર્ષને નવી પહેલ, નવા ઉમંગ અને ઉત્સાહથી વધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર મુસાફરોને ગુજરાતની કળા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાના દર્શન કરાવતી આબેહૂબ કૃતિઓ મૂકવામાં આવી છે. ચોમેર રંગબેરંગી રોશની સાથે ગ્રીનરીથી સુશોભિત એરપોર્ટની ઝાંખીને કેમેરામાં કેદ કરવા લોકો સેલ્ફી લઇ રહ્યા છે.

અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેરિટેજ સિટી અમદાવાદ સહિત ગરવા ગુજરાતને આગવી ઓળખ અપાવતી કલાકૃતિઓથી સુશોભિત કરવામાં આવ્યુ છે. ઉપરાંત આપણી ઐતિહાસિક સભ્યતાની ઝલક દર્શાવતા આર્ટ ક્વોટ્સ અને આર્ટ કલ્ચર જાણે સોનામાં સુગંધ ભેળવે છે. એરપોર્ટના ટર્મિનલ-1 પર ઉતરતા જ વૈષ્ણવ દ્વારપાળો મુસાફરોનું ઉષ્માભર્યુ સ્વાગત કરે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાકડામાં કંડારવામાં આવેલી ઉત્તમ કોતરણી મહેમાનોને આવકારે છે.

અમદાવાદના એરપોર્ટ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. તેમજ આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ 26 જેટલા દેશોના મહાનુભાવો અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર લેન્ડ થવાના છે. એટલે એરપોર્ટને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 18મી – 19મી સદી દરમિયાન ગુજરાતની હવેલીઓ અને મસ્જિદોમાં કરાયેલી ઐતિહાસિક ડિઝાઇનનું ઉત્કૃષ્ટ ઝાંખી એરપોર્ટ પર થઈ રહી છે. પેસેન્જર આ તમામ ડેકોરેશન સાથેની યાદોને જીવંત રાખતી સેલ્ફી લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એક તરફ પ્રાચીન કળા વારસાનું પ્રદર્શન અને બીજી તરફ અર્વાચીન ડિજિટલ સ્ક્રીનના શેડ્સ પ્રવાસીઓને જાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જીવંત સાક્ષી બનાવે છે. એરપોર્ટની દિવાલો પર રંગબેરંગી કપડામાં વિવિધ પ્રકારની વાર્તાઓ આલેખવામાં આવી છે. ખાસ કરીને હાથવણાટ કરેલા કચ્છના તોરણ, બળદ,ઉંટના કાઠીના કપડાં, શિંગડાની સજાવટ વગેરે ખૂબ જ સ્ટાઇલાઇઝ્ડ લૂક આપે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના સર્વાધિક લોકપ્રિય તહેવાર ઉત્તરાણની ઉજવણી માટે સ્થાનિક આર્કિટેક્ટસ-ડિઝાઇનરોની કળા ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ બન્યું છે. “વેવ ઓફ લાઈફ” શીર્ષક અંતર્ગત પતંગ મહોત્સવ 2022ને આવકારતું ફેબ્રિક કાઈટ ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. CEPTમાં તાલીમ લઈ ચૂકેલા નવયુવાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા અનેકવિધ પંતગો અને કૃતિઓ કોરિડોરને જીવંત બનાવે છે. ઉપરાંત ‘ગ્રીન ઇનિશિએટિવ્સ’ અંતર્ગત આઉટડોરમાં વાર્ષિક 100 થી વધુ પામ્સ, 5,000 થી વધુ સુશોભન ઝાડીઓ અને 10,000 થી વધુ ફૂલો સાથે એરપોર્ટનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. વળી એરપોર્ટના ઇન્ડોર વાતાવરણને તરોતાજા રાખતા સંખ્યાબંધ ઇન્ડોર પ્લાન્ટસ રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં ગ્રીન કવર વધારવા માટે હજારો વૃક્ષો વાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.