Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટઃ બેંગ્લોર જતી ફ્લાઈટ રિ-શિડ્યૂલ કરતા મુસાફરોએ મચાવ્યો હંગામો

Social Share

અમદાવાદઃ  અમદાવાદથી બેંગલુરુ જતી ખાનગી એરલાઈન્સ કંપનીના ફ્લાઈટના પેસેન્જરોને કડવો અનુભવ થયો હતો. 90 પેસેન્જરોનુ એક ગ્રુપ એક ઈવેન્ટ માટે બેંગલુરુ જતું હતું, જેમાં 40 બાળકો પણ હતા. પેસેન્જરો એરપોર્ટ પહોંચી ગયા, ત્યારે તેમને જાણવા મળ્યુ કે, આ ફ્લાઈટ રવિવાર રાતની જગ્યાએ સોમવારે સવારે 6.20 વાગ્યે ઉપડશે. આ માહિતી મળતા જ પેસેન્જરોએ કલાકો સુધી એરપોર્ટ માથે લીધું હતું. હકીકતે ગો-ફર્સ્ટની આ અમદાવાદ-બેંગુલુરુ ફ્લાઈટ (જી-8804) રાત્રે 9.25 કલાકે ટેકઓફ થવાની હતી. જેની જગ્યાએ તેને રિ-શિડ્યૂલ કરીને બીજા દિવસે સવારે ગોઠવવા આવી છે, તેમ જ્ણાવતા ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ અને પેસેન્જરો આમનેસામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

પેસેન્જરોનું કહેવુ હતુ કે આ ફ્લાઈટ બીજા દિવસે સવારે ઉપડવાની હતી તો તેમને એ વિશે કોઈ મેસેજ કે ફોનથી જાણ કરવામા આવી નહોતી. તેમાના કેટલાક પેસેન્જરોની રજૂઆત એવી હતી કે અમે અમદાવાદ બહારના છીએ તો હવે અમે આખી રાત ક્યાં રોકાઇશુ અને તે માટે એરલાઈન્સ તરફ્થી કોઈપણ સુવિધા આપવામા નથી આવી રહી અને સ્ટાફે એવુ કહ્યુ કે, તમે તમારી રીતે વ્યવસ્થા કરી લો, ફ્લાઈટ તો સવારે જ ઉપડશે.

પેસેન્જરોનું કહેવુ હતુ કે તેઓ એરપોર્ટ પર આખી રાત ઠંડીમાં ક્યાં સૂઈ જાય? એરલાઈન્સે ખાવાની પણ વ્યવસ્થા કરી આપી નહોતી. પેસેન્જરો અને એરલાઈન્સના કર્મચારીઓ વચ્ચે કલાકો સુધી બોલાચાલી ચાલી હતી. વળી, પેસેન્જરોએ એવી પણ વિનંતી કરી હતી કે, તેમને બીજી કોઈ કનેક્ટિંગ ફ્લાઈટમાં સુવિધા આપો તેમ છતાં એરલાઈન્સે તેમની કોઈ વાત માન્ય રાખી નહિ. આ મામલે સીઆઈએસએફ એ પણ વચ્ચે પડીને મામલો શાંત કરવાની કોશિશ કરી હતી. પણ એરલાઇન્સ તરફ્થી કોઈપણ પ્રકારની મદદ ન મળતાં પેસેન્જરોમાં રોષ વ્યાપી ગયો હતો.