Site icon Revoi.in

અમદાવાદમાં રૂ.2000ની 56 નકલી નોટો સાથે એન્જિનિયરિંગ સ્ટુડન્ટની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ,

Social Share

અમદાવાદઃ શહેરમાં ભલભલા લોકો પણ સાચી માની લે એવી 2000 રૂપિયાની ચલણી નોટ્સ બજારમાં ફરતી કરવાના કૌભાંડમાં શહેર ક્રાઈમ બ્રાન્ચએ એક એન્જિનિયર થયેલા વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. પોલીસે 2000ની નકલી 56 નોંટ્સ પણ કબજે કરી હતી. બનાવટી નોટ્સનો માસ્ટર માઈન્ડ ગણાતો આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. 2000ની નોટ્સનો કાગળ અને પ્રિન્ટિંગ જોતા કોઈપણ બે હજારની નોટ્સ સાચી માની લેતા હતા. આરોપીએ બેન્કોમાં પણ નોટ્સ જમા કરાવી તો પણ બેન્કના કેશિયરને પણ ખબર ન પડી કે, નોટ્સ બનાવટી કે નકલી છે.

અમદાવાજ શહેરમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવાની નવી મોડસ ઓપરન્ડી સામે આવી છે. 42 જેટલી નકલી નોટો બેંકમાં પહોંચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ ન થઈ. ક્રાઇમ બ્રાન્ચે આવી જ કુલ 98 નોટો કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનાનો માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ દિલીપ કેશવાલા નામના એક આરોપીની ધરપકડ કરી હતી. જે સોલાનો રહેવાસી છે અને એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. દિલીપ પાસેથી 2000ના દરની 56 બનાવટી ચલણી નોટો ઝડપાઈ હતી. અને તે અગાઉ તેણે 42 બનાવટી નોટોની મદદથી મોબાઇલ ફોન અને સોનું ખરીદ્યું હતું. જે 42 નોટો બેંકમાંથી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી છે. એટલે કે કુલ 1.96 લાખની બનાવટી નોટો અલગ અલગ જગ્યાએથી કબ્જે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આ તમામ નોટો હાઈ ક્વોલિટીની છે. મોટા ભાગના સિક્યુરિટી ફિચર્સ પણ છે. જેને લઈને આ નોટોનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીએ નવી મોડસ ઓપરન્ડી શરૂ કરી હતી. જેમાં ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામાં આવતુ અને તે ગ્રુપમાં રહેલા સભ્યોને પોર્ટર બનાવી તેમને પાર્સલમાં બનાવટી નોટો મોકલવામાં આવતી અને તે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનું ખરીદવામાં આવતું હતું. બાદમા સસ્તી કિંમતે આ વસ્તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢીમાં અને ત્યાંથી બિટકોઈનમાં રોકાણ થતી હતી. જોકે ઝડપાયેલો આરોપી દિલિપની પુછપરછમાં તે ક્યારેય મુખ્ય આરોપીને મળ્યો નથી કે વાત પણ નથી કરી. સાથે જ લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીને 10 હજાર રૂપિયા મળતા હતા.

​​​​​​​મહત્વનું છે કે છેલ્લા 6 મહિનાથી બનાવટી નોટોને બજારમાં ફરતી કરવાનું નેટવર્ક ચાલતું હતું. જેમાં ઝડપાયેલો આરોપી દિલીપ 5 મહિનાથી જોડાયેલો હતો. સાથે જ આ ગુનાનો માસ્ટર માઈન્ડ પણ અમદાવાદનો હોવાનું પોલીસ માની રહી છે. જોકે હવે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે અને ગ્રુપમાં રહેલા અન્ય નંબરોના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ બનાવટી નોટો પાકિસ્તાનથી આવી છે કે કેમ તે અંગે પણ કેન્દ્રિય એજન્સીઓ સાથે તપાસ શરૂ કરી છે.