અમદાવાદઃ ગુજરાતમાં ખળભળાટ મચાવનારા પેપર લીક પ્રકરણમાં પોલીસે ગુનો નોંધીને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની ભરતી માટે આયોજીત પરીક્ષાના પેપર લીક કેસમાં અમદાવાદ કનેકશન સામે આવ્યું છે. બીજી તરફ આ પ્રકરણમાં આરોપીઓએ પેપર રૂ. 10થી 15 લાખમાં વેચ્યાં હોવાનું જાણવા મળે છે. સમગ્ર પ્રકરણમાં ચારેક સ્થળ પર પેપર સોલ્વ કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પેપર લીક પ્રકરણમાં પોલીસે દસ આરોપીઓ સામે ગુનો નોંધીને છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. પેપર ફુંટયા બાદ એક-એક પેપરને રૂ. 10થી 15 લાખમાં વેચવામાં આવ્યા હતા. આ પેપરો 4 જગ્યાએ સોલ્વ કરાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં અમદાવાદ કનેક્શન ખુલ્યું છે એક આરોપી અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
પેપર લીક પ્રકરણની પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલનો ઉલ્લેખ કરાયો છે. પરીક્ષાના એક દિવસ પહેલા જ આરોપીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. આરોપી ધ્રુવ બારોટે પણ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી દેવલ પટેલના ઘરે પેપરને પહેલા સોલ્વ કરવામાં આવ્યું હતું. દેવલ પટેલને તેના સસરા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા આ પેપર મળ્યું હતું. કુલ ચારથી પાંચ આરોપીઓએ પેપર સોલ્વ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં પ્રાંતિજ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા અને ગાંધીનગર પોલીસની 24થી વધારે ટીમ સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહ્યો છે.