Site icon Revoi.in

અમદાવાદ-ધારી રૂટ્સની એસટી બસમાં ઢસા પાસે આગ લાગી, તમામ મુસાફરોનો બચાવ

Social Share

બોટાદઃ  જિલ્લાના ઢસાથી ધારી તરફ જઈ રહેલી  અમદાવાદથી ધારી જઈ રહેલી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં ગણતરીની મિનિટોમાં જ બસ ભડભડ સળગી ઊઠી હતી. સદનસીબે બસમાં સવાર 47 લોકો બહાર નીકળવામાં સફળ રહેતાં તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. ફાયરબ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અમદાવાદથી ધારી રૂટ પર ચાલતી એસટીની બસ એના નિયત ટાઈમે  અમદાવાદથી ધારી જવા રવાના થઈ હતી. રાત્રિના સમયે બસ જ્યારે બોટાદ જિલ્લાના ઢસા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ બસમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. બસમાં ધુમાડા નીકળવા લાગતાં જ ડ્રાઈવર અને કંડકટરે સમયસૂચકતા વાપરી બસ ઊભી રાખી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા, જેથી તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.

બોટાદના ઢસા પાસે એસટી બસમાં જ્યારે આગ ફાટી નીકળી ત્યારે બસમાં કુલ 47 મુસાફરો સવાર હતા. જોકે બસમાં આગ વધુ ફેલાય એ પહેલાં જ તમામ મુસાફરો સલામત રીતે બસની બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં રસ્તા પર ઊભા રહેલા મુસાફરો ફફડી ઊઠ્યા હતા. સમગ્ર ઘટના અંગે ડ્રાઈવર દ્વારા કંટ્રોલરૂમને જાણ કરાતાં એસટી દ્વારા બીજી બસ ઘટનાસ્થળે મોકલી તમામ મુસાફરોને ધારી બસ સ્ટેન્ડ સુધી પહોંચાડ્યા હતા.                                                                                                                                                                                   (File photo)