Site icon Revoi.in

અમદાવાદમાં આજથી સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દર 15 મીનીટે દોડશે

Social Share

અમદાવાદઃ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનના સમયને વધારવાની સાથે હવે  ટ્રેન પણ દર 15 મિનિટે મળી રહેશે. મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાથી લોકોને મોટી રાહત મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મેટ્રો ટ્રેનનો સમય વધારવા પ્રવાસીઓની માગ ઊઠી હતી. કારણ કે રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડતી રહે તો વેપારીઓ અને રોજગાર-ધંધો કરીને ઘરે પરત ફરતા લોકોને પણ લાભ મળી શકે, તેમજ સવારે 7 વાગ્યાથી મેટ્રો દોડતી કરવામાં આવે તો વધુ લોકો તેનો લાભ લઈ શકે તેવી રજુઆત કરવામાં આવી હતી.
શહેરમાં  મેટ્રો ફેઝ-1માં પૂર્વ અને પશ્ચિમને છેડામાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને પૂર્વ તેમજ પશ્ચિમ છેડામાં મોટેરાથી વાસણા સુધી મેટ્રો રેલ ચાલે છે. મેટ્રો ટ્રેનનો સમય સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધીનો હતો. તેથી અવારનવાર નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનના સમયને વધારવાની માંગ કરવામાં આવી હતી. જેથી હવે આજે 30 જાન્યુઆરીને સોમવારથી મેટ્રો ટ્રેન સવારે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. એટલું જ નહીં પણ હવે 25 મિનિટની જગ્યાએ  આજથી દર 15 મિનિટે ટ્રેન મળી રહેશે. વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય અને નોકરીયાત લોકો પણ વહેલી સવારે હવે નોકરીએ જવાનું હોય તેથી વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમય મર્યાદામાં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ-પશ્ચિમ છેડાને જોડતી થલતેજથી વસ્ત્રાલ ગામ મેટ્રો રૂટમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણ છેડાને જોડતી મોટેરાથી વાસણા મેટ્રો રૂટમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે. જેને મુસાફરોની સંખ્યા જોતા તેને દર 15 મિનિટ (પીક સમય)માં હવે મળી રહેશે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આ સમય ચાલુ રાખો કે તેમાં ફેરફાર કરવો તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડે છે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો છે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.