Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ચૂંટણીઃ 3 અપક્ષ ઉમેદવારોના ફોર્મ થયા રદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ સામે આવતા કોંગ્રેસના નેતાઓએ દોડધામ શરૂ કરી હતી. દરમિયાન ત્રણ અપક્ષ ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવાથી રદ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેની આજે ચકાસણી શરૂ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં કલેક્ટર કચેરી સહિતના સેન્ટરો પર ફોર્મની ચકાસણી શરુ કરવામાં આવી છે. જે ઉમેદવારોના ફોર્મ યોગ્ય ઠરશે તે જ ઉમેદવારો ચૂંટણી લડી શકશે. બીજી બાજુ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોના ફોર્મ માન્ય થયા છે કે નહીં તે જોવા માટે પહોંચ્યા હતાં. જેમાં અત્યાર સુધીમાં 3 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતાં કોંગ્રેસના લીગલ સેલ અને વકિલોની દોડધામ શરૂ કરી હતી. જ્યારે ભાજપના પણ લીગલસેલના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચી ગયાં હતાં. અસારવા અને શાહીબાગના ભાજપના ઉમેદવારો ફોર્મ ચકાસણીમાં પાસ થયા છે. 8 ઉમેદવારોની ચકાસણીમાં કોઈ ખામી નહિ હોવાનું ધારાસભ્ય પ્રદિપ પરમારે જણાવ્યું હતું. જમાલપુર, દરિયાપુર, ખાડિયા વોર્ડના ભાજપ અને કોંગ્રેસ પક્ષના તમામ 8 ઉમેદવારના ફોર્મની ચકાસણીમાં કોઈ વાંધો ન આવતાં ઉમેદવારી ફાઈનલ થઈ ગઈ છે. જ્યારે દરિયાપુર અને શાહીબાગમાં ત્રણ ફોર્મ રદ થયા હોવાનું જાણવા મળે છે.

Exit mobile version