Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવા વર્ષના સ્નેહ મિલનમાં ઘણા કોર્પોરેટરો હાજર ન રહ્યા

Social Share

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ઘણા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ મ્યુનિ.ના કમિશનર પણ હાજર રહ્યા નહતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ મ્યુનિની મુખ્ય કચેરી ખાતે સોમવારે યોજાયો હતો. જેમાં મેયર સહિતના ભાજપના હોદ્દેદારો, વિપક્ષના નેતા અને અધિકારીઓનો હાજર રહ્યા હતા, જો કે સ્નેહ મિલન સમારોહમાં ભાજપના કેટલાક કોર્પોરેટરો અને અધિકારીઓની ઉપસ્થિત રહ્યા નહતા.  મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ તથા દંડક શીતલબેન ડાગા તેમજ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ હાજર રહ્યા હતા. જોકે, કોઇ કારણોસર કમિશનર એમ.થેન્નારસન હાજર રહી શક્યા નહોતા તેથી, તેમની જગ્યાએ સિનિયર ડે.કમિશનર આઇ.કે.પટેલ હોદ્દેદારો સાથે રહી તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ નવા વર્ષ બાદ મોટાભાગના અધિકારીઓ અને કોર્પોરેટરો લાભપાંચમ સુધી રજા ઉપર હોય છે. જેથી, લાભ પાંચમના બે દિવસ બાદ એટલે કે 20 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જ સ્નેહમિલનનું આયોજન કરાયુ હતું. સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા માટે ભાજપ અને કોંગ્રેસ તથા અપક્ષ કોર્પોરેટરોને આમંત્રણ અપાયા હતા. તેમ છતાં ભાજપનાં કોર્પોરેટરોની પાંખી હાજરી રહી હતી. 12 કમિટીના ચેરમેનમાંથી 5થી 7 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન હાજર રહ્યા હતા. કોંગ્રેસમાં પક્ષના નેતા સહિત 10 જેટલા કોર્પોરેટરો હાજર હતા. જોકે, નારાજ જૂથના કોર્પોરેટરોમાંથી માત્ર ઈકબાલ શેખ જ હાજર રહ્યા હતા.પક્ષના ઉપનેતા નીરવ બક્ષી સહિત સિનિયર કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.

​​​​​​​સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા નહોતા. ડે.કમિશનર આઇ.કે.પટેલ ઉપરાંત અન્ય ચાર-પાંચ ડે.કમિશનર તથા ઇજનેર ખાતાનાં એડિશનલ ઇજનેરો હાજર રહ્યા હતા. જ્યારે અન્ય ખાતાનાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી જણાઇ આવી હતી. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્નેહમિલન સમારોહ ખૂબ જ નિરસ જોવા મળ્યો હતો