દિલ્હી: રાજધાની દિલ્હીમાં ઠંડીએ દસ્તક આપી છે અને દર વખતની જેમ જ ઠંડી શરૂ થતાની સાથે જ દિલ્હીની હવા પણ ઝેરી બની ગઈ છે. વાયુ પ્રદૂષણને કારણે રવિવારે સવારે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. AQI 266 પર પહોંચ્યો અને પ્રદૂષણને કારણે આંખો બળવા લાગી. ઈન્ડિયા ગેટ સહિત ઘણી જગ્યાએ ધુમ્મસ હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ તે ધુમ્મસ નહીં પરંતુ ધુમાડાની ચાદર હતી.
દશેરા પહેલા જ વાયુ પ્રદૂષણ આ સ્તરે પહોંચી જતાં સરકાર ચિંતિત બની છે. આ વચ્ચે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ 21 ઓક્ટોબરના રોજ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP-2 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, GRAP-1 સાથે GRAP-2 ના નિયંત્રણો હવે દિલ્હી-NCRમાં લાગુ થઈ ગયા છે.એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે 23 અને 24 ઓક્ટોબર સુધીમાં દિલ્હીની હવાની ગુણવત્તા એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી શકે છે.
શૂન્યથી 50 ની વચ્ચેનો AQI સારો છે, 51 થી 100 ‘સંતોષકારક’ , 101 થી 200 ‘મધ્યમ’ , 201 થી 300 ‘ખરાબ’ , 301 થી 400 વચ્ચે ‘ખૂબ ખરાબ’ અને 401 થી 500 વચ્ચેનો AQI ‘ગંભીર’ ગણાય છે
CAQM મુજબ, GRAP ચાર કેટેગરીમાં લાગુ કરવામાં આવે છે.
સ્ટેજ 1-AQI સ્તર 201 થી 300 વચ્ચે
સ્ટેજ 2-AQI સ્તર 301 થી 400 વચ્ચે
સ્ટેજ 3-AQI સ્તર 401 થી 450 વચ્ચે
સ્ટેજ 4-450 થી ઉપર AQI સ્તર