Site icon Revoi.in

ઈરાનમાં સીરિયા સરહદ પાસે ટ્રકો ઉપર હવાઈ હુમલો, 24 કલાકમાં બીજો હુમલો

Social Share

નવી દિલ્હીઃ ઈરાન પર 24 કલાકમાં બીજો મોટો હુમલો થયો છે. ઈરાનના ટ્રકોના કાફલા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. સીરિયા-ઈરાક બોર્ડર પર ટ્રકમાં બોમ્બ ધડાકા થયાનું જાણવા મળે છે. ઈરાનના 6 ટ્રક પર વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે ઈરાનના ઈસ્ફહાન શહેરમાં એક સૈન્ય મથક પર ડ્રોન હુમલો થયો હતો.

સીરિયન અને અન્ય આરબ મીડિયાએ જણાવ્યું હતું કે, સીરિયા-ઇરાક સરહદ પર અલ-કૈમ ક્રોસિંગ નજીક એક અજાણ્યા વિમાને ઇરાની ટ્રકોના કાફલા પર હુમલો કર્યો હતો. સાઉદીના અલ-અરેબિયા નેટવર્કે જણાવ્યું હતું કે, હુમલા પહેલા 25 ટ્રક ઇરાકથી સીરિયા સરહદ પાર કરી હતી. અહેવાલ અનુસાર, રેફ્રિજરેટર ટ્રકને નિશાન બનાવવામાં આવી છે. અજાણ્યા વિમાને બોમ્બ ફેંકતા પહેલા ટ્રક ડ્રાઇવરોને ચેતવણી આપી હતી. અલ-કૈમ ક્રોસિંગ ઈરાની મિલિશિયા દ્વારા નિયંત્રિત છે.

યુરોપ સ્થિત સીરિયન નિષ્ણાત ઓમર અબુ લૈલાએ જણાવ્યું હતું કે, ટ્રક ઈરાની મિલિશિયાની હતી અને હુમલામાં અબુ કમાલ વિસ્તારમાં ઈરાની કમાન્ડરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના મધ્ય શહેર ઈસ્ફહાનમાં એક સૈન્ય સ્થળ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જો કે ઈરાનના સંરક્ષણ મંત્રાલયે તેને નિષ્ફળ ડ્રોન હુમલો ગણાવ્યો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઈરાનીએ ડ્રોનને તોડી પાડવાનો દાવો પણ કર્યો હતો.