નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંક – RBI એ દેશની બધી જ બેંકોને પહેલી જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોકતાઓ સાથે લોકર સમજુતીનું નવીનીકરણ કરવાનું કહયું છે. હાલના લોકર ઉપભોકતાઓએ લોકર સમજુતીનું નવીનીકરણ કરાવવા માટે પોતાની પાત્રતાની સાબીતી આપવી પડશે. તેમણે એક નિશ્ચિત તારીખ પહેલા બેંક સાથેની સમજુતનું નવીનીકરણ કરાવવું પડશે.
ભારતીય રીઝર્વ બેંકે ઓગષ્ટ – 2021 માં બહાર પાડેલી માર્ગદર્શિકામાં પહેલીવાર સુધારા કર્યા છે. RBI એ બધી જ બેંકોને સ્ટ્રોંગરૂમમાં પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર પર તેમજ બેંકના કાર્યક્ષેત્રના સામાન્ય રીતે વપરાતા વિસ્તારમાં CCTV કેમેરા લગાવવાની સલાહ આપી છે. RBI ની માર્ગદર્શિકા મુજબ જો કોઇ ઉપભોકતા બેંકને પોતાને જણાવ્યા વગર પોતાનું લોકર ખોલવામાં આવ્યું હોવાની કે કોઇ ચોરી કે સલામતી બાબતની કોઇ ચુક થયાની ફરીયાદ કરે તો બેંકે, CCTV રેકોર્ડીંગ, પોલીસ તપાસ પુરી થાય અને તે કેસનો નિકાલ આવે ત્યાં સુધી સુરક્ષિત રાખવાનું રહેશે.

