અમદાવાદઃ શહેરમાં રવિવારે સાંજના પડેલા ભારે વરસાદે મ્યુનિ.કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી નાંખી હતી. અને શહેરના તમામ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અને સોમવારે બપોર સુધીમાં ઘણા વિસ્તારોમાં રોડ પર પાણી ઉતર્યા નહતા. ઉપરાંત શહેરના તમામ બગીચાઓમાં પણ પાણી ભરાયેલા છે. તેમજ વરસાદને કારણે વૃક્ષો પણ પડે તેવી સ્થિતિ છે. આથી મ્યુનિ.કમિશનરે તમામ બગીચાઓમાં શહેરીજનોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. અને જ્યાં સુધી બીજી સુચના ન મળે ત્યાં સુધી લોકોને બગીચામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
અમદાવાદ શહેરમાં રવિવારે સાંજથી મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. લોકોને ખૂબજ હાડમારી વેઠવી પડી હતી. ત્યારે મ્યુનિ. કોર્પોરેશને તમામ ગાર્ડન વરસાદને કારણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગૌરી વ્રત પણ ચાલી રહ્યું છે. જેના કારણે ગાર્ડનમાં ભીડ થવાની સંભાવનાને જોતા મ્યુનિ.કોર્પોરેશને તમામ ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વરસાદને કારણે ઘણા બાગ-બગીચામાં પાણી પણ ભરાયેલા છે. વૃક્ષો પણ સતત ભીંજાવાને કારણે કદાચ તૂટી પડે તો હાનહાની થવાની શક્યતા હોવાથી તમામ બાગ-બગીચાઓમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શહેરમાં જળબંબાકારની સ્થિતિને પગલે અંદાજે પાંચ હજાર મકાનમાં પાણી ઘૂસી ગયાં હતાં. એક હજારથી વધુ ગાડીઓ અને 3 હજારથી વધુ ટૂ વ્હીલરોને નુકસાન થયું હોવાનો અંદાજ છે. નાની ચાલીમાં તેમજ ફ્લેટમાં નીચેના માળે રહેતા લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરવખરીમાં પલંગ, સોફા, અનાજ, ફ્રિજ, વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓનું ભારે નુકસાન થયું હતું. કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થતાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે આક્ષેપો કર્યા હતા. ઝડપી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે શહેરમાં આ રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી.