Site icon Revoi.in

બંધકોને મુક્ત ન કરાય તો ઈઝરાયલના હમાસના તમામ નેતાઓને ખતમ કરી દેવા જોઈએ, હમાસના નેતાના દીકરાની અપીલ

Social Share

નવી દિલ્હીઃ હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે ઈઝરાયેલને જો તમામ બંધકોને મુક્ત કરવામાં આવે તો તેના પિતા સહિત હમાસના તમામ નેતાઓને ખતમ કરી નાખવા અપીલ કરી છે. મોસાબ હસને કહ્યું હતું કે, ઈઝરાયલે બંધકોને મુક્ત કરવા માટે હમાસ માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. જો હમાસ તે સમય મર્યાદામાં બંધકોને મુક્ત નહીં કરે તો ઇઝરાયલે તેના પિતા સહિત હમાસના તમામ કમાન્ડરોને મારી નાખવા જોઈએ.

મોસાબ હસને સોશિયલ મીડિયા સાઈટ પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, ઈઝરાયલે હમાસ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવી જોઈએ નહીં. હમાસ જે યુદ્ધ ચલાવી રહ્યું છે તે માનવતા વિરુદ્ધ છે.

મોસાબે 10 મિનિટના વિડિયોમાં કહ્યું હતું કે, હમાસ ઇઝરાયેલના બંધકોને છોડાવવાના બદલામાં હત્યારાઓને મુક્ત કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં, ઇઝરાયેલ કે માનવતા તેને સહન કરશે નહીં. મુક્ત થયા બાદ આ હત્યારાઓ ફરીથી નિર્દોષ લોકોની હત્યા કરશે. તેમની મુક્તિનો અર્થ માત્ર નિર્દોષ લોકોના મોતનો થશે.

તેણે કહ્યું કે, ઈઝરાયલે બંધકોને મુક્ત કરવાના મિશન કરતાં હમાસને ખતમ કરવાના અભિયાનને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને અન્ય નાગરિકોને બચાવવા માટે થોડા દિવસો માટે યુદ્ધવિરામ સમજૂતી કરવી પડશે. બાકીના બંધકો સૈનિકો છે જેમની સાથે કેદીઓ જેવો વ્યવહાર થવો જોઈએ. તેઓએ હમાસના કમાન્ડર ઈબ્રાહિમ હમીદ અને અબ્દુલ્લા બરગૌતીને મૃત્યુદંડની સજા આપવી જોઈએ.

તેણે વધુમાં કહ્યું કે ઈઝરાયલે બંધકોને મુક્ત કરવા માટે હમાસને એક-બે મહિના અથવા છ મહિનાનો સમય આપવો જોઈએ. આ સમય દરમિયાન, જો તેના બંધકોને છોડવામાં નહીં આવે, તો ઇઝરાયેલની જેલમાં બંધ હમાસના ટોચના નેતાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવે. આમાં તેના પિતા પણ સામેલ છે. પોતાના પિતા વિશે વાત કરતા મોસાબે કહ્યું કે, 10-15 વર્ષ પહેલા તેના પિતાનો જીવ બચાવીને તેણે ભૂલ કરી હતી. તે ક્ષણે તેમનું મૃત્યુ થવુ જોઈતુ હતું. વસ્તુઓ પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે.