Site icon Revoi.in

સંસદમાં બજેટ સત્ર પૂર્વે તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવાશે

Social Share

દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર તા. 29મી જાન્યુઆરીથી શરૂ થશે. સંસદના સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે નવ કલાકથી બપોરે 2 કલાક સુધી ચાલશે. જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે. કોરોના મહામારીને પગલે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા બધા સાંસદોને કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા વિનંતી કરવામાં આવી છે. તેમજ સાંસદોના આવાસ નજીક તેમના આરટી-પીસીઆર ટેસ્ટની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદ પરિસરમાં તા. 27 અને 28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર તપાસ કરવામાં આવશે. તેમાં સાંસદોના પરિવાર, કર્મચારીઓના ટેસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર, રાજ્ય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા રસીકરણ અભિયાન નીતિ સાંસદો પર પણ લાગૂ થશે. સંસદ સત્ર દરમિયાન પૂર્વ નિર્ધારિત એક કલાકના પ્રશ્નકાળની મંજૂરી રહેશે. દરમિયાન સાંસદો તથા અન્ય લોકોના ભોજન પર મળનારી સબસીડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભોજનમાં મળતી સબસીડી ખતમ કરવાને લઈને બે વર્ષ પહેલા માંગ ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં તમામ દળોના સભ્યોએ એકમત થઈ તેને ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાનું આગામી સત્ર તોફાની રહેવાની શકયતા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા મોદી સરકારને કૃષિ બિલના વિરોધમાં ઘેરવાના પ્રયાસો કરવામાં આવશે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોનું આંદોલન ઝડપથી સમેટાય તે દિશામાં કામગીરી કરી રહી છે.