અમદાવાદ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9મી એપ્રિલને રવિવારે યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો હોવાથી પરીક્ષાનું કાર્ય સરકાર માટે પણ કસોટીરૂપ બની ગયું છે. પરીક્ષાના સંચાલનની જવાબદારી બાહોશ ગણાતા આઈપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. તેમના દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે અપિલ કરી છે, કે તમામ ઉમેદવારો કોલ લેટરની સુચનાઓ ધ્યાનથી વાંચી લે, સરકાર દ્વારા પરીક્ષામાં પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓ માટે હેલ્પ નંબર પણ ફાળવવામાં આવ્યો છે. અને હેલ્પ નંબર પર ઉમેદવારોના પ્રશનો નિકાલ ન આવે તો રાજ્ય હેલ્પ લાઈન નંબર 8758804212, અથવા 8758804217 પર સંપર્ક સાધવા જણાવાયું છે.
પરીક્ષા સંચાલનની મહત્વની જવાબદીરી સંભાળતા આઈપીએસ હસમુખ પટેલે જણાવ્યું હતું કે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના તમામ ઉમેદવારો કોલ લેટરમાં આપેલી સુચનાઓ ધ્યાનથી વાંચી લે, ઉમેદવારો પરીક્ષા ખંડમાં સાદી ઘડિયાળ સાથે લઈ જઈ શકશે. પરંતુ ઈલેક્ટ્રોનિક્સ કે સ્માર્ટ વોચ નહીં લઈ જઈ શકે. કોઈ આર્મી એક્સમેનના કોલ લેટરમાં એક્સ આર્મીમેન લખેલું ન આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો તેમણે અરજી કરતી વખતે એક્સ આર્મીમેન કેટેગરી ભરી હશે તો તે લાભ મળશે. હાલ વહિવટી તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવાની તૈયારી ચાલી રહી છે. એસટી નિગમ દ્વારા ઉમેદવારોને પરીક્ષાના દિવસે પોતાના વતનથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
એસટી નિગમના એમડી એમ. એ. ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા 9 એપ્રિલના યોજાશે. જેને લઈ બેઠક કરવામાં આવી હતી અને ઉમેદવારોને પોતાના કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાના સમય કરતાં 2 કલાક ઉમેદવારોએ વહેલા પહોંચવાનું છે, ત્યારે વિદ્યાર્થીઓને સમયસર બસ મળી જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે તહેવારોમાં વધારાની બસ દોડતી હોય ત્યારે સવાયું ભાડું લેવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે 100 રૂપિયા ભાડું હોય તો 125 રૂ એકસ્ટ્રા બસનું ભાડું લેવામાં આવતું હોય છે. પરંતુ ઉમેદવારો માટે સામાન્ય ભાડું રાખવામાં આવ્યું છે. તેમજ કંટ્રોરૂમ બનાવવામાં આવશે.ઉમેદવારોની સુવિધા માટે એસટી નિગમ દ્વારા 6 હજાર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વધારાની બસોમાં પણ ઉમેદવારો પાસેથી સામાન્ય ભાડું જ વસૂલ કરવામાં આવશે. બસોના યોગ્ય સંચાલન માટે તમામ ડિવિઝનમાં ઉચ્ચ અધિકારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. એ જ રીતે ડિવિઝનમાં તેમ જ હેડ ક્વાર્ટરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.