દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર અનેક રાજ્યોની મુલાકાતે જતા હોય છે ત્યારે આગામી 7 જુલાઈના રોજ પીએમ મોદી ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાત લેવા જઈ રહ્યા છે જેને પગલે પીએમ મોદીના આગમનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદી અહીં ગીતા પ્રેસમાં કાર્યક્રમને લઈને ગોરખપુર આવી રહ્યા છે PM મોદીની મુલાકાત પહેલા તમામ તૈયારીઓની સમીક્ષા કરવા એસપીજી સોમવારે ગોરખપુર પહોંચી હતી. જ્યાં એસપીજીએ ગોરખનાથ મંદિર, ગીતા પ્રેસ અને રેલવે સ્ટેશન પર સંભવિત કાર્યક્રમોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈ પણ હાજર હતા.
વિતેલા દિવસને સોમવારે મુખ્ય સચિવ ગૃહ સંજય કુમાર, ડીજીપી વિજય કુમાર સહિત અધિકારીઓએ ગીતા પ્રેસ અને રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અધિકારીઓએ તમામ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
અધિકારીઓએ ગોરખપુર ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. દરેકને સૂચના આપવામાં આવી છે કે સુરક્ષામાં કોઈ ક્ષતિ ન થવી જોઈએ. પોલીસ અધિકારીઓએ સુરક્ષાને લઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. સંભવિત શિડ્યુલને ધ્યાનમાં રાખીને, ફોર્સ સ્ટ્રેન્થ, ડ્યુટી ચાર્ટની તૈયારી સાથે પોલીસકર્મીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.