Site icon Revoi.in

સુરતના અશ્વોમાં ગ્લેન્ડર નામના રોગચાળાને પગલે તમામ જિલ્લાના ઘોડાઓનું નિદાન કરાયું

Social Share

સુરતઃ  શહેર અને જિલ્લામાં  ઘોડાઓમાં ગ્લેન્ડર નામના ચેપી રોગને લઈને તકેદારીના ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.  ઉપરાંત રાજ્યભરમાં અશ્વોની પશુચિકિત્સકો દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંવલસાડ જિલ્લામાં 305થી વધુ ઘોડાઓનું પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં સૌથી વધુ પોલીસ વિભાગ પાસે 18 ઘોડાઓ છે. જ્યારે બાકીના લગ્નની બગી વાળા પાસે અને બાકી બચેલા ઘોડા પશુ પાલકો પાસે છે. સુરતની ઘટનાને પગલે તાત્કાલિક પશુ ચિકિત્સકની ટીમ દ્વારા રાજ્યભરમાં તમામ ઘોડા પાલકોને ત્યાં ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ખાતે ઘોડાઓમાં ગ્લેન્ડર નામના રોગના ફેલાવને લઈને 6 જેટલા ઘોડાઓ આ રોગનો શિકાર બન્યા હતા. જે ઘટના સામે આવતા વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘોડા પાલકને ત્યાં પશુ ચિકિત્સકની ટીમે ચેકઅપ હાથ ધર્યું હતું. વલસાડ જિલ્લામાં 305થી વધુ ઘોડાના ગ્લેન્ડર નામના રોગના સામાન્ય લક્ષણો કે અન્ય કોઈ લક્ષણો અંગે ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લામાં તમામ ઘોડા તંદુરસ્ત છે. એકપણ ઘોડામાં હાલ ગ્લેન્ડર નામનો રોગ ન હોવાનું વલસાડ જિલ્લા પશુ ચિકિત્સક અધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું.

વલસાડ જિલ્લામાં ઘોડા પાલકને ત્યાં દર 15 દિવસે પશુ ચિકિત્સકની ટીમ દ્વારા પ્રાથમિક ચેકઅપ કરવામાં આવે છે. કોઈ સામાન્ય બીમારી પણ જણાય તો તાત્કાલિક સારવાર આપવામાં આવશે. જરૂરી રસીકરણ અને સારવાર સામાન્ય લક્ષણની વખતે જ આપી દેવામાં આવતી હોવાથી કોઈપણ ચેપી રોગનો શિકાર અન્ય પશુઓ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. પશુ પાલકોને તમામ તકેદારી અંગે યોગ્ય જાગૃતિ પણ આપવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ પોલીસ વિભાગ પાસે 18 ઘોડાઓ છે. જેમાં સમયાંતરે પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. ત્યારબાદ લગ્નની બગી સંચાલકો પાસે ઘોડા છે. તેઓ પણ સમયસર ચેકઅપ અને કાળજી લેતા હોવાથી વલસાડ જિલ્લામાં ઘોડાઓમાં દેખાતો ગ્લેન્ડર નામના રોગના એકપણ કેસ ન હોવાનું જિલ્લા પશુ ચિકિત્સક અધિકારીએ જણાવ્યું છે.