Site icon Revoi.in

ભાવનગર એસટી ડિવિઝનને નવી 34 એસટી બસોની ફાળવણી, સાંસદના હસ્તે 9 બસનું લોકાર્પણ

Social Share

ભાવનગરઃ ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ એસટી ડિવિઝનોને મર્યાદિત સંખ્યામાં નવી બસો ફાળવવામાં આવી છે. જેમાં ભાવનગર ડિવિઝનને 34 બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ભાવનગર ડેપોને 9 બસ ફાળવાતા નવી બસોનું લોકાર્પણ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે સાંસદ ડો.ભારતીબેનના હસ્તે કરાયું હતું. સાંસદ શિયાળે લીલી ઝંડી આપીને નવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં સ્લીપરો, લક્ઝરી બસો અને મીની બસોનો સમાવેશ થાય છે. નવી બસ અલગ અલગ રૂટ પર દોડાવાશે.

ભાવનગર જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા કુલ 34 બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 4 સ્લીપર, 2×2ની લકઝરી 8 બસો અને 22 મીની બસોનો સમાવેશ થાય છે. આ ફાળવવામાં આવેલી બસો એમીશન નોર્મ્સ ધરાવે છે જે EATS સીસ્ટમ થકી એક્ઝોસ્ટમાં નીકળતાં પ્રદુષણના પ્રમાણમાં ખુબ ઘટાડો કરી પર્યાવરણને નુકશાન થતું અટકાવે છે.

આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય માણસને પણ આધુનિક યુગ જેવી જ સારામાં સારી સુવિધા મળે તે અંતર્ગત કુલ 34 બસોની ફાળવણી ભાવનગર જિલ્લા માટે કરવામાં આવી છે. સાથો સાથ આખા વર્ષ દરમિયાન 100 જેટલી નવી બસો તબક્કાવાર ભાવનગર માટે ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકારની જનસુખાકારી, લોકસુખાકારી અને ખાસ કરીને ગરીબ અને માધ્યમ વર્ગના માણસોને ઉત્તમ સુવિધા મળી રહે તેવી અંત્યોદયની વિચારધારા સાથે સરકાર કામ કરી રહી છે. છેવાડાના માનવી આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી ભાવનગરને વિવિધ કેટેગરીમાં લકઝરી, સ્લીપર, મીની અને એ.સી બસો ફાળવવામાં આવી છે.

સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને સારામાં સારી સુવિધાઓ મળતી રહે તે બદલ આવા ભગીરથ કાર્યોને જનતાએ પણ સહકાર આપવો જરૂરી છે. મુસાફરો બસ સ્વચ્છ રાખે અને જાહેર બસોની જાળવણી કરે તે માટે તેઓએ મુસાફરોને અપીલ પણ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો, એસ.ટી વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સહિત વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.