Site icon Revoi.in

ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે, આજે થશે જાહેરાત

Social Share

અમદાવાદઃ  દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે શનિવારે બપોર બાદ લાકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરવામાં આવશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણીની સાથે  ખાલી પડેલી છ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી પણ યોજાશે. વિધાનસભાની 6 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામની વિધિવત જાહેરાત કરવામાં આવી નથી. જો કે જે ધારાસભ્યો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ્યા છે. તેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવશે.

લોકસભાની ચૂંટણીની સાથે જ ગુજરાતમાં 6 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટી પણ યોજાશે. અગાઉ  માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણી, ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ, વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા, તેમજ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, અને .વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામાં આપ્યા હતા, આ ઉપરાંત . વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આ તમામ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. એટલે ભાજપ દ્વારા પક્ષપલટુ ધારાસભ્યોને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતારશે.

ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા-ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણી યોજાશે તો પરિણામો રસાકસીવાળા બની રહેશે.

લોકસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે તો 6 બેઠકો પરના દરેક બુથ પર બે ઈવીએમ હશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે. લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયાં બાદ આ બેઠકોના ઉમેદવારોની જાહેર કરાય તેવી સંભાવના છે.