Site icon Revoi.in

અંબાજીના કોટેશ્વર મહાદેવજીના મંદિર મીની કુંભ, સાધુ-સંતોએ સરસ્વતી કુંડમાં કર્યું શાહીસ્નાન

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર મહાદેવજીના મંદિર નજીક મીની કુંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો એકઠા થયા હતા. છેલ્લા 5 દિવસથી ચાલતા કાર્યક્ર્મની સોમવારે સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાનથી પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો  સાધુ – સંતોના દર્શન, સેવા અને આશીર્વાદ લેવા આવ્યાં હતાં.

અંબાજી ખાતે કોટેશ્વર મંદિરના પટાગણમાં મીની કુંભનું આયોજન કરાતા મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થતાં અંબાજી જાણે સંતોનું નગર બન્યું હોય તેવું વાતાવરણ જોવા મળ્યુ  હતું. મોટી સંખ્યામાં ભક્તોએ સંતોની સવારીના દર્શન કર્યા હતાં. કુંભના નાગા સાધુઓ અને વિવિધ સંતોના દર્શન અને આશીર્વાદ લીધાં હતાં.  મકરસંક્રાતિના દિવસે સૂર્યનારાયણ ઉત્તર દિશામાં પ્રયાણ કરતા આ દિવસ તીર્થ અને સંગમ સ્થળે સ્નાન કરવાનું શાસ્ત્રોક્ત રીતે ખુબજ મહત્વ રહેલું છે. અંબાજી ખાતે છેલ્લા બે વર્ષથી મકરસંક્રાતિ પર્વ પર સાધુ-સંતોના આગમન સાથે શાહી સ્નાનનું આયોજન થઈ રહ્યું છે,  આ વર્ષે પણ માનસરોવર ખાતે આવેલા ભૈરવ ધુણા, ભોલાગીરી મહારાજના તપ સ્થળ પરથી મહંત થાણાપતિ વિજયપુરી મહારાજની આગેવાનીમાં મીની કુંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. વાજતે – ગાજતે અંબાજી નગરથી સાધુઓની સવારી નીકળી હતી. જે કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડ ખાતે શાહી સ્નાન માટે પહોંચી હતી અને સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુઓના સ્નાન બાદ અન્ય લોકોએ સ્નાન કર્યુ હતું. ત્યારબાદ કોટેશ્વર મહાદેવ ખાતે શિવ દર્શન કરીને પાલખીની આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કોટેશ્વર સરસ્વતી નદીના કુંડ ઉપર ભારે ભીડ જોવા મળી હતી. સરસ્વતી નદી અહીંથી નીકળે છે એટલે અહીંયા સ્નાનનું અનેરૂ મહત્વ છે.

Exit mobile version