Site icon Revoi.in

અમદાવાદમાં બાંધકામ સાઈટ્સ પરના ગેરકાયદે પાણીના કનેક્શનો સામે AMCએ કરી લાલ આંખ

Social Share

અમદાવાદઃ શહેરમાં ઠેર ઠેર બાંધકામો ચાલી રહ્યા છે. ઘણા બિલ્ડરો દ્વારા મ્યુનિ.ના કર્મચારીઓ સાથે સેટિંગ કરીને ગેરકાયદે પાણીના અને ડ્રેનેજના કનેક્શનો લેવામાં આવ્યા હોવાની ફરિયાદો મ્યુનિ. કમિશનર સુધી પહોંચતા મ્યુનિ.કમિશનરએ ગેરકાયદે પાણી અને ડ્રેનેજના કનેક્શન કપવાની ઝૂંબેશ આદરીને કડક પગલાં લેવાની મ્યુનિ.ના અધિકારીઓને સુચના આપી છે. ઉપરાત એએમસીના પરવાનગી વિના રોડ પર તોડવામાં આવશે તો કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં રોડ રસ્તા અને ડ્રેનેજ પાણી મામલે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. ગેરકાયદેસર ડ્રેનેજ-પાણી કનેક્શન અને રોડ રસ્તાની ક્વોલિટી તેમજ રોડ પરની કામગીરી મામલે અધિકારીઓને કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રેનેજ અને પાણી કનેક્શન લેવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવતા આવા ગેરકાયદે કનેકશો કાપી નાંખવા  તેમજ કડક પગલાં લેવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત  જો કોઈ પરવાનગી વગર રોડ ખોદશે તો કડક કાર્યવાહી કરવા પણ સુચના આપવામાં આવી છે.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરે ઇજનેર વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે, દરેક ઝોનમાં ગેરકાયદેસર ડ્રેનેજ અને પાણીના કનેક્શન શોધવામાં આવે. શહેરમાં ચાલુ બાંધકામ સાઈટો ઉપર ગેરકાયદેસર ડ્રેનેજ અને પાણીના કનેક્શન લેવામાં આવે છે, તેને કાપવામાં આવે અને ટેમ્પરરી કાયદેસર રીતે કનેક્શન આપવામાં આવે, આ ઉપરાંત ટોરેન્ટ પાવર સહિત વિવિધ કંપનીઓ અને કેટલાક લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર જ રોડ ખોદી નાખતા હોય છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી પરવાનગી વિના રોડ ખોદાશે તો હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં સૌથી વધારે ટ્રાફિક અને અવરજવર થતી હોય અને ત્યાં જો પરમિશન વગર રોડ ખોદી નાખવામાં આવે તો નાગરિકોને હાલાકી પડતી હોય છે. તેથી જો કોઈ પરવાનગી વગર રોડ ખોદે તો તેમની સામે કાર્યવાહી કરવાની રહેશે. દરેક ઝોનના આસિસ્ટન્ટ સિટી ઇજનેરથી લઈ ટેકનિકલ સુપરવાઇઝર સહિતના અધિકારી કર્મચારીએ આ બાબતે ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.