Site icon Revoi.in

AMCના હોલ અને પાર્ટી પ્લોટ્સ હવે બર્થ ડે અને કિટ્ટી પાર્ટી માટે 6 કલાક ભાડે આપી શકાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં લોકોને નાના પ્રસંગો યોજવા જગ્યા મેળવવી મુશ્કેલી પડતી હોય છે. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ ઓડિટોરિયમ પિકનિક હાઉસ અને પાર્ટી પ્લોટ હવે આખા દિવસની જગ્યાએ છ કલાક માટે પણ ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે. ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બેસણા, કોર્પોરેટ મીટીંગ, બર્થડે પાર્ટી, કીટી પાર્ટી વગેરે માટે પણ હવે પાર્ટ ટાઈમ હોલ ભાડે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. છ કલાક માટે એક મહિના અગાઉ બુકિંગ કરાવવાનું રહેશે. હોલનું ભાડું પ્રવર્તમાન દરના 50 ટકા જેટલું ચૂકવવાનું રહેશે.

અમદાવાદ મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલને હવે 6 કલાક માટે ભાડે આપવાની નીતિને મંજૂરી આપવામાં આવી છે.પાર્ટ ટાઈમ માટે હોલ ભાડે આપવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થશે. પાર્ટ ટાઈમ માટે હોલનું ભાડું જે અત્યારે ભાડું છે તેના કરતાં 50 ટકા લેવામાં આવશે.જ્યારે ડિપોઝિટ સો ટકા ભરવાની રહેશે.વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ મુજબ લેવામાં આવશે સવારે અને સાંજે 6-6 કલાક સુધી ભાડે મેળવી શકાશે. એક મહિના પહેલા લોકોએ મેળવવા માટે બુકિંગ કરાવવાનું રહેશે. કોઈપણ પ્રકારનો જમણવાર તેમાં યોજી શકાશે નહીં માત્ર બહારથી હળવો નાસ્તો લાવીને કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી નીતિ મુજબ હવેથી બર્થ ડે પાર્ટી, કિટ્ટી પાર્ટી, પેન્શનરોની મીટીંગ, સિનિયર સીટીઝન મીટીંગ, પ્રદર્શનો, ધાર્મિક પ્રસંગો અને કોર્પોરેટ મીટીંગ વગેરે તેમાં યોજી શકાશે. જોકે આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. ઝોનના સિવિક સેન્ટર ઉપર આ માટે ડિપોઝિટ અને ભાડું ભરી અને નોંધણી કરાવી શકાશે.