Site icon Revoi.in

અમદાવાદમાં જળસ્તર ઊંચુ લાવવા માટે AMCનો પરકોલેટિંગ પ્રોજેક્ટ નિષ્ફળ, માત્ર 40 અરજી મળી

Social Share

અમદાવાદઃ  શહેરમાં ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પરકોલેટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરની સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટિંગ વેલની યોજનામાં  કુલ ખર્ચના 80 ટકા મ્યુનિ. કોર્પોરેશન ખર્ચ ભોગવે અને 20 ટકા સોસાયટી- ફ્લેટ ભોગવે તે પ્રકારની યોજના બહાર પાડી હતી. જો કે, શહેરમાં પરકોલેટિંગ વેલ બનાવવા માટે 6 મહિનામાં માત્ર 40 જેટલી સોસાયટીએ જ અરજી કરી છે. એએમસીની પરકોલેટિંગ વેલ માટેની  યોજનામાં લોકોએ  રસ દાખવ્યો નથી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે વિવિધ સોસાયટી અને ફલેટોમાં પરકોલેટિંગ વેલ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. લોકભાગીદારીથી પરકોલેટિંગ વેલ બનાવવા માટેની યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં 80 ટકા ખર્ચ  મ્યુનિ. કોર્પોરેશન અને 20 ટકા જે તે સોસાયટી એ ભોગવવાનો હોય છે. જે મુજબ પરકોલેટિંગ વેલનો ખર્ચ 2.60 લાખ આસપાસ થાય છે, જેમાં માત્ર 50,000ની આસપાસનો ખર્ચ સોસાયટીએ કરવાનો હોય છે, તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  6 મહિના દરમિયાન માત્ર 40 જેટલી જ અરજીઓ આવી છે. આ અરજીઓમાંથી 15 સોસાયટીઓ તો એવી છે. કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે 20 ટકાનો ખર્ચ ભોગવવાનો હોય તેના નાણાં ભર્યા નથી. એટલે કે તેઓએ માત્ર કરવા ખાતર અરજી કરી છે. 35 સોસાયટીઓ જ પરકોલેટિંગ વેલનો ઉપયોગ કરશે. કોર્પોરેશનમાં આવેલી અરજીઓમાં સૌથી વધુ અરજીઓ પૂર્વઝોનની હોવાનું જાણવા મળ્યું છે. 40 અરજીઓ પૈકી 3 સોસાયટીમાં કામ પૂર્ણ થયું છે. જ્યારે 4 સોસાયટીઓમાં કામગીરી ચાલુ છે. 18 સોસાયટીઓ અંદાજ અને ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે.