Site icon Revoi.in

ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે પણ મતદારોમાં નિરૂત્સાહથી રાજકીય પક્ષોમાં ચિંતા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ દ્વારા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમામ કેન્દ્રિય મંત્રીઓ, તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સહિત મોટો કાફલો પ્રચારમાં ઉતાર્યો છે. ઉપરાંત મોટાભાગના ઉમેદવારો રાત-દિવસ એક કરીને પ્રચારયુદ્ધમાં જોતરાઇ ગયા છે ત્યારે હજુ મતદારોમાં કોઈ જ ઉત્સાહ જોવા મળતો નથી. મતદારોનો નિરૂત્સાહથી રાજકીય પક્ષો ચિંતિત બન્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો હજુ પણ સુષુપ્ત અવસ્થામાં હોય તેવી સ્થિતિ છે. ભાજપના વર્ચસ્વવાળી બેઠક હોય તેમાં તો કોંગ્રેસના કાર્યકરો કે પ્રચારની રિક્ષાઓ પણ જોવા મળતી નથી. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર ગત ચૂંટણીમાં જીત્યા હોય તેવી કેટલીક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો-કાર્યકરો જીતવા માટે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.  રાજ્યમાં ભાજપે પ્રચાર માટે નેતાઓની મોટી ફોજ ઉતારી છે. હેલિકોપ્ટર દ્વારા ભાજપના નેતાઓ દરેક તાલુકામાં સભાઓ યોજી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ રોડ શો અને સભાઓ યોજવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગૃપ મીટિંગો અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ હકિકત એ છે કે, મતદારોમાં ચૂંટણીને લઈને કોઈ જ ઉત્સહ જોવા મળતો નથી. મતદારોનું અકળ મન રાજકીય પક્ષોના નેતાઓને અકળાવી રહ્યું છે. રોડ શો અને જાહેર સભામાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. વર્ષો પહેલા લોકો જે રીતે સ્વયંભૂ સભા કે રેલીમાં જોડાતા હતા. હવે તો આજીજી કરીને લોકોને સભા અને રેલીમાં લાવવા પડે છે. ચૂંટણી ટાણે લગ્નગાળાની પણ ભરપૂર મોસમ છે. બીજીબાજુ મતદારોમાં કોઈ જ ઉત્સાહ જોવા મળતો નથી. એટલે તેની અસર મતદાન પર પડે તેવી પણ શક્યતા છે. એટલે ભાજપના નેતાઓ વધુને વધુ મતદાન માટે લોકોને અપિલ કરી રહ્યા છે.