નવી દિલ્હીઃ ઈન્ડિગો સહિતની અનેક એરલાઈન્સની મોટા પાયે ફ્લાઈટ્સ રદ થવાને કારણે દેશભરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંકટની વચ્ચે, ભારતીય રેલવેએ તુરંત અસરકારક પગલાં લીધા છે અને વધારાની ટ્રેનો, સ્પેશિયલ સેવાઓ અને ઘણા રૂટ પર કોચ વધારવાનો નિર્ણય કર્યો છે.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં 37 ટ્રેનોમાં કુલ 116 વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જે 114 વધારાની ટ્રિપ્સમાં ચાલશે. ખાસ કરીને અમદાવાદથી દિલ્હી જનારા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ સાબરમતી-દિલ્હી જંક્શન વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે. આ ટ્રેન ‘ટ્રેન ઓન ડિમાન્ડ (TOD)’ યોજના હેઠળ દોડાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09497 (સાબરમતી-દિલ્હી સ્પેશિયલ) 7 અને 9 ડિસેમ્બરે દોડશે. જ્યારેટ્રેન નંબર 09498 (દિલ્હી-સાબરમતી સ્પેશિયલ) 8 અને 10 ડિસેમ્બરે દોડશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર કોચ પણ લગાવવામાં આવશે.
ફ્લાઇટ સંકટ બાદ અચાનક વધેલી માંગને જોતાં રેલવેએ દેશના વિવિધ ઝોનમાં ટ્રેનોની ક્ષમતામાં વધારો કર્યો છે. દક્ષિણ રેલવેએ 18 ટ્રેનમાં ચેરકાર અને સ્લીપર કોચ, ઉત્તર રેલવે દ્વારા 8 ટ્રેનમાં 3 એસી અને ચેરકાર તથા પશ્ચિમ રેલવે દ્વારા ચાર ટ્રેનમાં 3 એસી અને 2 એસી કોચ જોડવામાં આવ્યાં છે.
મુસાફરોની સુવિધા માટે રેલવેએ વધારાની સ્પેશિયલ સેવાઓ પણ શરૂ કરી છે, ગોરખપુર-આનંદ વિહાર સ્પેશિયલ 7 થી 9 ડિસેમ્બર સુધી, નવી દિલ્હી-જમ્મુ વંદે ભારત સ્પેશિયલ 6 ડિસેમ્બરના રોજ, નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ 6 અને 7 ડિસેમ્બરના રોજ તથા હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ સુપરફાસ્ટ દોડાવાશે. રેલવેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નિર્ણાયક પગલાં, ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થઈ રહી છે, ત્યારે મુસાફરોને સુરક્ષિત, સમયસર અને ભરોસાપાત્ર મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે.

