Site icon Revoi.in

ચક્રવાત ‘બિપરજોય’ પર અમિત શાહની સતત નજર,દર 20 મિનિટે મોકલવામાં આવે છે અહેવાલ

Social Share

દિલ્હી : ચક્રવાત બિપરજોયને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NDMA અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી. અમિત શાહ NDMA અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સતત માહિતી લઈ રહ્યા છે. દર વીસ મિનિટે ગૃહમંત્રીને સ્થિતિનો વિગતવાર અહેવાલ મોકલવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા પણ ચક્રવાતને લઈને NDRFના વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે.

ચક્રવાત બિપરજોય ગુરુવારે સવારે ગુજરાતના દરિયાકાંઠાથી 200 કિમીથી ઓછા અંતરે હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચક્રવાત ગુરુવાર સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે અને પ્રદેશમાં ભારે પવન સાથે ભારે વરસાદ લાવશે. આને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ 74,000 થી વધુ લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

IMDએ જણાવ્યું હતું કે જેમ જેમ શક્તિશાળી વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે તેમ તેમ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની તીવ્રતા વધશે. ચક્રવાત અંગેની તેની અપડેટ કરેલી માહિતીમાં IMD એ જણાવ્યું હતું કે, “VSCS બિપરજોય ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર 14 જૂન 2023 ના ભારતીય સમયાનુસાર રાત્રે   02:30 વાગ્યે જખૌ બંદરથી 200 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું.

15મી જૂનની સાંજ સુધીમાં તે સૌરાષ્ટ્રના જખૌ બંદર નજીકથી પસાર થશે અને કચ્છ નજીકના માંડવી અને કરાચી વચ્ચે પાકિસ્તાનના દરિયાકાંઠેથી પસાર થશે.ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાથી શૂન્યથી પાંચ કિલોમીટરના 72 ગામો જ્યારે દરિયાકિનારાથી પાંચથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં 48 ગામો આવેલા છે.

મંત્રીએ કહ્યું, “અમે આ દરિયાકાંઠાના ગામડાઓમાંથી લગભગ 40,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.” 74,345 લોકોને સોમનાથમાં અસ્થાયી આશ્રય શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, NDRF ની 15 ટીમો, SDRF ની 12 ટીમો, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની 115 ટીમો અને રાજ્ય વીજળી વિભાગની 397 ટીમો વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.