Site icon Revoi.in

અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાનું બિલ્ડિંગ હવે જોગીદાસ ખુમાણના નામથી ઓળખાશે

Social Share

અમરેલીઃ  જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા બિલ્ડિંગ હવે ક્ષાત્રવટ બહારવટીયા જોગીદાસબાપુ ખુમાણના નામથી ઓળખાશે. નગરપાલિકાની જનરલ બોર્ડમાં નગરપાલિકાની બિલ્ડિંગનું નામ જોગીદાસ ખુમાણ રાખવું તે બાબતને ધ્યાનમાં લઈને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તમામ જ્ઞાતિઓ ગૌરવ લઈ શકે તેવા જોગીદાસ  ખુમાણનું નામ નગરપાલિકામાં લાગે તેવી સર્વજ્ઞાતિની લાગણી અને માંગણી હતી. અગાઉ દરબાર ગઢમાં ચાલતી કોંગ્રેસ શાસિત નગરપાલિકાની જનરલ બેઠકમાં પણ જોગીદાસ ખુમાણ નામ રાખવું એવો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સાવરકુંડલા નગરપાલિકાના નવા બિલ્ડિંગનું નિર્માણ થતા કોંગ્રેસના દિગ્ગજ નેતા નવીનચંદ્ર રવાણીનું નામ લગાવવાનો પણ સુર ઉઠ્યો હતો. રાજકીય તાકાતના કારણે નવા બિલ્ડિંગનું નામ નવીનચંદ્ર રવાણી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં એક નારાજગી ઊભી થઈ હતી. જોગીદાસ ખુમાણનું નામ રાખવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલાના કાઠી ક્ષત્રિય સમાજની માગણી હતી. જોગીદાસબાપુ ખુમાણનું નામ નગરપાલિકામાં રાખવામાં આવે તેવી માંગને લઈ નામકરણ માટે ભાવનગર નિયામકમાં મેટર ચાલતી હતી. તે સમયે નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યો અને હાલના ભાજપના સદસ્યોના સર્વેના સહકારથી નિયામકમાં જોગીદાસબાપુ ખુમાણનું નામકરણ રાખવા નિર્ણય કરવામા આવ્યો હતો. ત્યારે હાલમાં ભાજપ શાસિત નગરપાલિકાની જનરલ બોર્ડમાં નગરપાલિકાની બિલ્ડિંગનું નામ જોગીદાસ ખુમાણ રાખવું તે બાબતને ધ્યાનમાં લઈને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ખમીરવંતા જોગીદાસ ખુમાણ એક બહારવટીયા હતા. કથાકાર મોરારીબાપુએ પણ જોગીદાસ ખુમાણને 14મું રત્ન ગણાવ્યા હતા. ભાવનગરના મહારાજ સામે જે તે સમયે વટ અને વચન માટે તેઓનું બહારવટુ હતું. અનેક એવી ઘટનાઓ ઇતિહાસના ચોપડે નોંધાયેલી છે જે જોગીદાસ ખુમાણની પ્રમાણિકતા અને ઇમાનદારી દર્શાવે છે. નગરપાલિકા બિલ્ડીંગ સામે જોગીદાસ બાપુની પ્રતિમાં મુકવાનો પણ એક નિર્ણય નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તેનું ફાઉન્ડેશન પણ હાલ તૈયાર થઈ રહ્યું છે. તેની તડામાર તૈયારી ચાલી રહી છે. આગામી દિવસોમાં અહીં જોગીદાસ બાપુ ખુમાણ સેવા સદન લાગશે અને તેની પ્રતિમાં પણ મુકવામા આવશે. આ નિર્ણયને લઈ સમગ્ર ક્ષત્રીય સમાજ સહિત અન્ય જ્ઞાતિના લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.