Site icon Revoi.in

પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ સામે વિરોધ ઉઠતા માચીમાં ઓટોમેટિક મશીન મુકાયું

Social Share

ગોધરાઃ રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં મોહનથાળના પ્રસાદના મુદ્દે વિવાદ ઊભો થયા બાદ ભક્તોની લાગણીને માન આપીને ફરીવાર મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું નાળિયેર યાને શ્રીફળ મંદિરમાં લઈ જવા કે વધેરવા પર પ્રતિબંધ મુકાતા તેનો વિરોધ થયો હતો. સ્વચ્છતાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. ત્યારે હવે પાવાગઢના વિવાદને શાંત કરવા માટે આખરે માંચીમાં ભક્તો માટે શ્રીફળ વધેરવા ઓટોમેટિક મશીન મૂકવામાં આવ્યું હતું. જે બાદ ભક્તો અહીં શ્રીફળ વધેરીને પોતાના ઘરે તેનો પ્રસાદ લઈ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મંદિરની અંદર વધારેલું શ્રીફળ લઈ જઈ શકાશે નહીં. આ નિર્ણય સામે સ્થાનિકો સહિત ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો સ્થાનિકો અને ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.  આથી માંચી ખાતે શ્રીફળ વધેરવા માટે ઓટોમેટિક મશીન મૂકવામાં આવ્યું હતું. જેવું શ્રીફળ આ મશીનમાં મૂકવામાં આવે કે તરત જ તે છોલાઈ જાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાવાગઢ મંદિરે આવતા મોટાભાગના ભક્તો પોતાની સાથે માતાને પ્રસાદી રૂપે શ્રીફળ વધેરતા હોય છે. જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ગંદકી ફેલાતી હતી. કચરાના ઢગલાં થતા ટ્રસ્ટીઓ દ્વારા સ્વચ્છતાના ભાગ રુપે મંદિરમાં વધારેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ ભક્તોની લાગણીઓ દુભાઈ હતી. ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી હતી. વડોદરા મહાનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ પરિષદ દ્વારા મંદિર ટ્રસ્ટના આ નિર્ણય સામે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ સિવાય વડોદરાના માંડવી ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા બેનરો સાથે ઘંટનાદ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સંગઠનનું કહેવું છે કે, અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાંક ભક્તો મંદિરે આવીને માનતાઓ અને બાધાઓ રાખતા હોય છે. જેના ભાગ રુપે અહીં મંદિરમાં શ્રીફળ પ્રસાદ તરીકે વધેરતા હોય છે. પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અચાનક શ્રીફળ પર પ્રતિબંધનો નિર્ણય લેવાતા સ્થાનિકો સહિત ભક્તોની પણ લાગણી દુભાઈ હતી.  મંદિર ટ્રસ્ટ દ્વારા આ વિવાદનો અંત લાવવા માટે માંચીમાં શ્રીફળ વધેરવા માટે ઓટોમેટિક મશીન મૂકવામાં આવ્યું હતું.