Site icon Revoi.in

કોંગ્રેસની કમાન હવે ગાંધી પરિવારને બદલે સિનિયર નેતાને સોંપવાની કવાયત

Social Share

નવી દિલ્હીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. દાયકાઓ પછી પાર્ટીના અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારને બદલે અન્ય સિનિયર નેતાની પસંદગી અંગે ચર્ચા ચાલતી હોવાનું જાણવા મળે છે. જો કે, કોંગ્રેસના અધ્યક્ષ કોણ બને છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.

મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસનાં વર્તમાન કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનના સીએમ અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને અધ્યક્ષ બનવાની ઓફર કરી છે. જોકે, ગેહલોતે ઘણી વખત કહ્યું છે કે, રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા જોઈએ. તાજેતરમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, જો રાહુલ અધ્યક્ષ નહીં બને તો પાર્ટીમાં નિરાશા થશે અને ઘણા લોકો ઘરે બેસી જશે. જો કે, હવે આગામી દિવસોમાં જ કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ હશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી 21 સપ્ટેમ્બર સુધીમાં થવાની છે. પાર્ટી ટૂંક સમયમાં તેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવા જઈ રહી છે. દરમિયાન, એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, સોનિયા ગાંધી રાજસ્થાનના સીએમ ગેહલોતને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે આમાં તેમણે ગેહલોતને પાર્ટીની બાગડોર સંભાળવા વિનંતી કરી હતી. સોનિયા ગાંધીએ ગેહલોતને એમ પણ કહ્યું કે તે ખરાબ તબિયતના કારણે પાર્ટીની જવાબદારી નથી સંભાળી શકતી.

જોકે, ગેહલોતે પુનરોચ્ચાર કર્યો હતો કે, અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધી સર્વસંમત પસંદગી છે. સોનિયા ગાંધીને મળ્યા બાદ ગેહલોતે દિલ્હી એરપોર્ટ પર કહ્યું કે, તેઓ વારંવાર કહી રહ્યા છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા પછી જ પાર્ટીનું પુનર્ગઠન થઈ શકશે. તેઓ પ્રમુખ ન બનતા આગેવાનો અને કાર્યકરો નિરાશ થશે. અમે રાહુલ ગાંધી પર પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળવા માટે સતત દબાણ બનાવીશું.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે, જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ ન બનવા માટે મક્કમ છે તો તેમને કોઈ દબાણ નહીં કરી શકે.