Site icon Revoi.in

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે તપાસના આદેશ સાથે તપાસ સમિતિની રચના કરાઈ

Social Share

નવી દિલ્હીઃ બુધવારે સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે તપાસ કરવા માટે CRPFના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિ સંસદની સુરક્ષામાં થયેલી ચૂક અંગેના કારણોની તપાસ કરશે અને હવે ફરી આવી ઘટના ન બને તે માટે જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપશે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ UAPA એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે, 12 ડિસેમ્બરે બપોરે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલરીમાંથી અચાનક બે યુવકો કુદયા હતા. બંને યુવકો પાસે કલર સ્મોગ હતા. જોકે સંસદોએ બંને આરોપીને દબોચી લીધા અને સુરક્ષા કર્મીઓને સોંપ્યા હતા. સંસદ બહાર પણ આ પ્રકારે જ પ્રદર્શન કરતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી,  જેમાં અનિશ્ચિત કાળ સુધી દર્શક ગેલરી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવી દિલ્હીમાં સંસદ ભવન ઉપર થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસીના દિવસે જ નવા સંસદભવનમાં કેટલાક શખ્સો ઘુસ્યા હતા. બે શખ્સો પ્રેક્ષક ગેલરીમાંથી નીચે કુદીને સભાપતિની બેઠક તરફ આગળ વધ્યા હતા. દરમિયાન સંસદમાં બેઠેલો સાંસદો અને સુરક્ષા જવાનોએ તેમને ઝડપી લેવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન બંને શખ્સોએ પોતાની પાસેના કલર સ્મોકનો ઉપયોગ કર્યો હતો. જેથી સંસદગૃહમાં ધુમોડો ધુમાડો થયો હતો.