Site icon Revoi.in

નડાબેટમાં 12મી જાન્યુઆરીએ દેશ-વિદેશના પતંગબાજો દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

Social Share

પાલનપુરઃ  ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર દ્વારા 12 જાન્‍યુઆરી, 2024 ના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાશે.  આ પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગબોજો ભાગ લેશે. આ ઉત્સવને સફળ બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષસ્તામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે મિટિંગ યોજાઇ હતી.

બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું સુચારું આયોજન થાય અને એની ભવ્ય ઉજવણી કરવામાં આવે એ સંદર્ભે  બનાસકાંઠા કલેકટર દ્વારા બોલાવેલી બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કલેકટરએ પતંગરસિકો અને દર્શકોને કોઇ જ તકલીફ ન પડે તથા તેમને તમામ સુવિધાઓ મળી રહે તે માટેના સૂચનો કર્યા હતા.

નડાબેટ ખાતે યોજાનારા આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવની ઉજવણીમાં દેશ અને વિદેશના ખ્‍યાતનામ પતંગબાજો બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગો ઉડાડી પોતાના કૌવતનું નિદર્શન કરશે. જેનાંથી હર્ષોલ્‍લાસ અને આનંદભર્યા માહોલની શાનદાર જમાવટ થશે તથા આ પ્રસંગ વિશેષ આનંદદાયક અને યાદગાર બની રહેશે.  પાલનપુરમાં યોજાયેલી મિટિંગમાં કલેકટર વરૂણકુમાર બરનવાલ, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ સહિત સર્વે અધિકારીઓ રૂબરૂ તેમજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે. કે, ગુજરાતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજવામાં આવે છે. જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના પ્રવાસ સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેમજ કચ્છના ઘોરડો સહિત વિવિધ સ્થળોએ પણ આયોજન કરવામાં આવે છે. બનાસકાંઠામાં નડાબેટનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજીને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાશે. (File photo)