Site icon Revoi.in

આવી રીતે ભણશે ગુજરાત !, શાળાના આચાર્યે બે ટ્રેકટરભરીને પાઠયપુસ્તકો પસ્તીવાળાને વેચી દીધા

Social Share

ભાવનગર :  જિલ્લાના પાલીતાણા ખાતે એક ભંગારી ને ત્યાંથી વર્ષ 2019-20 માં ધો.1 થી 8 માં અભ્યાસ માટે રાજ્યસરકારે  શાળાઓમાં મોકલેલા પાઠ્યપુસ્તકોનો મસમોટો જથ્થો એક ભંગારીના ડેલામાંથી મળી આવ્યો હતો. અંદાજીત ચાર ટન જેટલું વજન એટલે કે 2 ટ્રેકટર ભરાય એટલા પાઠ્યપુસ્તકોને પાલીતાણાની એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોઈપણ મંજૂરી વગર પોતાની રોકડી કરવાના ઈરાદાથી વેચી માર્યા હતા. જે અંગેની જાણ જાગૃત નાગરિકોને થતા આ પ્રકરણ બહાર આવ્યું હતુ, જેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા હલા તપાસના આદેશ કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં માનસિંહજી રોડ પર આવેલી એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બે ટ્રેકટર ભરીને  ધો.1 થી 8 ના વર્ષ 2019-20 ના પાઠ્યપુસ્તકો ને પસ્તીમાં આપી દેવામાં આવ્યા હતા. આ અંગે ની જાણ પાલીતાણાના જાગૃત નાગરિકો ને થતા તેમણે ત્યાં તપાસ કરતા આ હકીકત પ્રકાશમાં આવી હતી. જેમાં પ્રાથમિક માહિતી મુજબ પાલીતાણા ની એક પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા વજન કર્યા વિના રવિવારે પુસ્તકો વેચી રોકડી કર્યા ની ચર્ચા એ જોર પકડ્યું હતું જેમાં બે ટ્રેકટર ભરી ઉચક રૂ. ૧૫૦૦૦/ માં સરકારી પુસ્તક નું બારોબાર વેચાણ  આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. શાળાના આચાર્ય દ્વારા એક ભંગારીને બે ટ્રેકટર ભરી પુસ્તકો વેચી માર્યા હતા.

જ્યારે ભંગારીએ કમિશન ખાઈને બીજા ભંગારીને આ પાઠ્યપુસ્તકો વેચી દીધા હતા, ટ્રેકટર ખાલી કર્યા બાદ ભંગારી  તમામ પુસ્તકોનું બિલ કે ઓથોરિટી લેટર માંગતા ભાંડો ફૂટ્યો હતો. ભંગારીએ પસ્તી આપવા આવેલા શખસને કહ્યું હતું કે,  લેટર લેતો આવ પછી પૈસા ચૂકવીશ. જ્યારે લાખોની કિંમત ના નવા જ પુસ્તકો પસ્તીના ભાવે ભંગારના ડેલે ઠાલવતા ભંગારીએ બિલ માંગતા તેનો પર્દાફાશ થયો હતો. કોઈ પણ પાઠ્યપુસ્તકોનો નિકાલ કરતા પૂર્વે સક્ષમ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની ફરજિયાત જરૂર પડે છે અને ભંગાર કે પસ્તીમાં અપાયેલા તમામ પુસ્તકો આખે આખા આપી શકાતા નથી તેને અધવચ્ચે થી ફાડી ને પછી જ ભંગારમાં આપી શકાય છે, પુસ્તકો મળ્યા અંગે ની જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા શાસનાધિકારીને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ કાર્યવાહી સુધી તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે આ પ્રકરણનું સત્ય બહાર લાવવામાં આવે, તો રાજ્યની વિવિધ શાળાઓમાં ચાલતા આવા અનેક રેકેટનો પણ પર્દાફાશ થઈ શકે છે તેમજ તેની પાછળ રહેલા લોકો પણ ઉઘાડા પડી શકે છે જે ભારત ના ભાવિ સાથે કરી રહ્યા છે છેડછાડ.