Site icon Revoi.in

JK: કલમ-370ના હટવાના 2 માસ બાદ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક, 10 ઘાયલ

Social Share
સાંકેતિક તસવીર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક કર્યો છે. આ હુમલો અનંતનાગના ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહારના ગેટ પર થયો છે. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં તેનાત સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો અને તેઓ ફરાર થયા છે. આ હુમલામાં એક પત્રકાર સહીત 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થનારા લોકોમાં સામાન્ય નાગરીક હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ ઈજાગ્રસ્તોમાં એક બાર વર્ષનો બાળક પણ સામેલ છે. હુમલા બાદ વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. ત્યારે આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આજે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370 હટાવાયાનાબે માસ થઈ ગયા છે. આતંકવાદીઓ દ્વારા સતત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાના વિરોધમાં પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે અનંતનાગમાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. તો એલઓસીથી પણ ગત ઘણાં દિવસોથી આતંકવાદી ભારતીય સીમામાં ઘૂસણખોરીની કોશિશને અંજામ આપી રહ્યા છે.

આ પહેલા ગત સપ્તાહે જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે બે અલગ-અલગ સ્થાનો પર એકસાથે અથડામણની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાથી ત્રણ પાકિસ્તાની નાગરીક હતા. અથડામણમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા.

મહત્વપૂર્ણ છે કે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતીય સુરક્ષા એજન્સીઓ ખાસ ચોકસાઈ દાખવી રહી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સમાં નિયંત્રણ રેખાની પેલેપાર આતંકવાદીઓની મૂવમેન્ટની વાત કહેવામાં આવી છે. તો ગુપ્તચર જાણકારી પ્રમાણે, આતંકવાદીઓ ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા છે.