અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી અણદાભાઈ પટેલે રાજીનામુ આપતા ખળભળાટ મચી ગયો છે. અણદાભાઈથી ભાજપ હાઈકમાન્ડ નારાજ હોવાનું તથા બેંકના ચેરમેન પદેથી રાજીનામુ આપવા માટે સૂચના આપી હોવાની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હતી. જો કે, એક પદ અને એક હાદ્દાના નિયમ અનુસાર થરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે અણદાભાઈ પટેલે રાજીનામું આપતા વિવિધ અટકળોનો અંત આવ્યો હતો. દરમિયાન આજે અણદાભાઈએ અચાનક બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસ બેંકના ચેરમેન તરીકે ત્રણેક મહિના પહેલા ભાજપમાં ત્રણ દાયકાથી જોડાયેલા અણદાભાઈ પટેલની પસંદગી કરાઈ હતી. દરમિયાન થોડા દિવસો પહેલા જ ભાજપનું હાઈકમાન્ડ અણદાભાઈ પટેલની કામગીરીથી નારાજ હોવાની અટકળો વહેતી થઈ હતી. મનસ્વી રીતે જિલ્લાની કેટલીક મંડળીઓને સભાસદ તરીકે મંજૂરી આપવા અને બેંકના ચેરમેને અંગત વિશ્વાસુ અને સંબંધીઓને પ્રમોશન આપ્યું હોવાના આક્ષેપ થયા હતા. જો કે, જે તે સમયે અણદાભાઈએ થરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદેથી રાજીનાનું આપ્યું હતું તેમજ કહ્યું હતું કે, પાર્ટીની સુચના હતી કે બે હોદ્દા ઉપર ના રહી શકાય જેથી થરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદેથી રાજીનાનું આપ્યું છે. અણદાભાઈ પટેલે માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદેથી રાજીનાનું આપતા મામલો શાંત પડ્યો હતો. જો કે, સાત જ દિવસના ટુંકા ગાળામાં આજે તેમણે બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી રાજીનાનું આપતા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.
બનાસકાંઠાના જિલ્લા રજીસ્ટ્રાર આર.પી. ખરાડીએ જણાવ્યું હતું કે, આજે અમદાભાઈ પટેલે બેંકના ચેરમેન પદેથી રાજીનાનું આપ્યું છે. સ્વૈચ્છાએ રાજીનાનું આપ્યાનો રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દે ભાજપ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પાર્ટીએ થોડા દિવસ પહેલા જ તેમને રાજીનામું આપવા સૂચના આપી હતી. પાર્ટીની સૂચનાનું પાલન કરીને તેમને રાજીનામું આપ્યું છે.