Site icon Revoi.in

એનિમલ એક્સચેન્જ પ્રોગામ, ગુજરાતે બિહારને અડધો ડઝન સિંહ આપીને બદલામાં ગેંડો મેળવ્યો

Social Share

વડોદરાઃ પ્રાણી સંગ્રહાલયોમાં એક્સચેન્જ પ્રોગામ હેઠળ પ્રાણીઓની અદલા-બદલી કરવામાં આવતી હોય છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ઝૂમાં બિહારથી ‘ઇલેક્શન’ નામના માદા ગેંડાને લાવવામાં આવી છે. તેની સામે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 6 સિંહને બિહારના 2 ઝૂમાં મોકલવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આવેલા આ માદા ગેંડાનું બ્રિડીંગ કરાવાશે. જોકે, એના બદલામાં ગુજરાતના વનવિભાગે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આપેલા 6 સિંહમાં 2 નર અને 4 માદાનો સમાવેશ થાય છે. આ પૈકી 3 પટણાના સંજય ગાંધી પ્રાણી સંગ્રહાલય અને 3 રાજગીરમાં આવેલા રાજગીર સફારી ખાતે મોકલાયા છે. નોંધનીય છેકે, કેવડિયામાં ઝૂ શરૂ થયા બાદ તેને ઘણા દુર્લભ પ્રજાતિના પ્રાણીઓથી સમૃદ્ધ બનાવવા સક્કરબાગ ઝૂમાંથી જ પ્રાણી મોકલાય છે. દેશવિદેશના દૂર્લભ પ્રાણીઓ કેવડિયામાં જોઈ શકાય છે.

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી કેવડિયા માટે પ્રાણીઓ બીજા રાજ્યમાં ગયા. પણ ખુદ સક્કરબાગ ઝૂમાં છેલ્લે બાયસન એટલે કે જંગલી ભેંસ અને હિપોપોટેમસનું બચ્ચું આવ્યું હતું. એ પહેલાં તો સક્કરબાગથી સિંહ જેવા પ્રાણીના બદલામાં બેંગલુરુથી જંગલી કૂતરા આવ્યા હતા. ટૂંકમાં, કિંમતી અને આકર્ષક પ્રાણીઓના મામલે સક્કરબાગ છેલ્લા કેટલાક વર્ષોથી ખોટમાં રહ્યું છે. સરદાર સરોવર ડેમ નજીક આવેલું કેવડિયા ઝૂ  નવું છે એટલે ત્યાં સ્વાભાવિકપણે જ પ્રાણીઓ ન હોય. ત્યાં પ્રાણીઓનું બ્રિડીંગ થયા બાદ ત્યાંથી પણ સક્કરબાગમાં નવા પ્રાણી આવી શકે એમ સુત્રોનું કહેવું છે.

ભારતમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બધાજ ઝૂ એકબીજાને પ્રાણીની આપ લે કરે છે. કેવડિયામાં આ અગાઉ પણ મુંબઇથી ઝીબ્રાના બદલામાં જે પ્રાણી અપાયા એ સક્કરબાગથી જ ગયા હતા. જોકે, કેવડિયા ઝૂ નવું હોઇ ત્યાં આપવા જેવું કશું ન હોવાથી અને રાજ્ય સરકાર પાસે સક્કરબાગનો વિકલ્પ ન હોવાથી આમ થઇ રહ્યું છે. જોકે, આ બધામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી જરૂરી હોય છે.