Site icon Revoi.in

પાકિસ્તાનમાં સિંઘુ આયોગની વાર્ષિક બેઠકનું આયોજન-1 થી 3 માર્ચે ભારત ઈસ્લામાબાદની કરશે મુલાકાત

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાનમાં વાર્ષિક સિંઘુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભારતીય પ્રતિનિધિમંડળ 1 થી 3 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં યોજાનારી સ્થાયી સિંધુ કમિશનની વાર્ષિક બેઠકમાં પણ ભાગ લેશે.

આ મામલે જલ શક્તિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે બંને દેશો વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા બાદ પ્રથમ વખત ત્રણ મહિલા અધિકારીઓ પણ ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ હશે, જેઓ બેઠક દરમિયાન ભારતીય કમિશનરને વિવિધ મુદ્દાઓ પર સલાહ આપશે. ગયા વર્ષે, પાકિસ્તાનના સિંધુ જળ કમિશનરની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ વાર્ષિક બેઠક માટે ભારત આવ્યું હતું.

ભારતના સિંધુ જળ કમિશનર પ્રદીપ કુમાર સક્સેનાએ આ મામલે  જણાવ્યું હતું કે સ્થાયી સિંધુ કમિશનની વાર્ષિક બેઠક 1-3 માર્ચ, 2022 દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાશે. આ પ્રતિનિધિમંડળમાં સેન્ટ્રલ વોટર કમિશન, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને વિદેશ મંત્રાલયના સક્સેના સલાહકારોનો સમાવેશ થશે.

પાકિસ્તાની પક્ષનું નેતૃત્વ સિંધુ જળ કમિશનર સૈયદ મુહમ્મદ મેહર અલી શાહ કરશે. ભારતીય પ્રતિનિધિમંડળ 28 ફેબ્રુઆરીએ અટારી બોર્ડરથી પાકિસ્તાન જવા રવાના થશે અને 4 માર્ચે પરત ફરશે. આ સંધિ ભારતને પશ્ચિમી નદીઓ પર રન-ઓફ-ધ-રિવર પ્રોજેક્ટ્સ દ્વારા હાઇડ્રોપાવર ઉત્તપન્ન કરવા માટે હક આપે છે, જે ડિઝાઇન અને કામગીરી માટેના ચોક્કસ માપદંડોને આધીન છે

આ સાથે જ આ કરાર પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ પર ભારતીય હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ડિઝાઇન સામે વાંધો ઉઠાવવાનો અધિકાર પણ આપે છે. પાકિસ્તાને આ પ્રોજેક્ટ્સની ડિઝાઇન સામે વાંધો ઉઠાવ્યો છે.

જો કે, ભારત દાવો કરે છે કે પ્રોજેક્ટની ડિઝાઇન સિંધુ જળ સંધિની જોગવાઈઓને અનુરૂપ છે અને તે સેન્ટ્રલ વોટર કમિશન અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા પ્રમાણિત છે, જે જળ સંસાધનોના ક્ષેત્રમાં દેશની સર્વોચ્ચ સંસ્થાઓ છે.

Exit mobile version