Site icon Revoi.in

ગુલામ નબી આઝાદના સમર્થનમાં વધુ 40 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો

Social Share

નવી દિલ્હીઃ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ તેમના સમર્થકો પણ પાર્ટીનો સાથ છોડી રહ્યાં છે. ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે 65 નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે બુધવારે પણ 42 નેતાઓએ પાર્ટી છોડી હોવાનું જાણવા મળે છે. આ તમામ નેતાઓનું કહેવું છે કે, તેઓ ગુલામ નબી આઝાદની નવી બનનારી પાર્ટીમાં જોડાશે. આ રીતે ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીના 100થી વધુ નેતાઓએ રાજીનામું આપી દીધું છે. આ નેતાઓમાં પૂર્વ ડેપ્યુટી સીએમ તારાચંદનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટી બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. તેઓ 4 સપ્ટેમ્બરે જમ્મુમાં એક રેલીને સંબોધવાના છે. કોંગ્રેસ છોડ્યા બાદ આ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ હશે. માનવામાં આવે છે કે આ રેલી દરમિયાન તેઓ પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે. બીજી તરફ 4 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી દિલ્હીમાં ‘હલ્લા બોલ પર દોરો’ રેલીને સંબોધિત કરશે.

કોંગ્રેસના આ વિરોધને ગુલામ નબી આઝાદના કાર્યક્રમને કારણે અસર થશે તે સ્પષ્ટ છે. રાજીનામા બાદ ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે. આનો મતલબ એવો લગાવવામાં આવી રહ્યો છે કે, આગામી દિવસોમાં તેમની તરફથી કોંગ્રેસ પર હુમલાઓ વધી શકે છે.

જમ્મુ અને કાશ્મીરમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે જેથી અટકળો ચાલી રહી છે કે, ગુલામ નબી આઝાદની પાર્ટી તમામ 90 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખશે. જેની સૌથી વધારે અસર જમ્મુ-કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓ ઉપરાંત કોંગ્રેસને થવાની શક્યતા છે.

જમ્મુના સૈનિક ફાર્મ્સમાં ગુલામ નબી આઝાદની રેલી યોજાવાની છે અને તે પહેલા કોંગ્રેસીઓ જે રીતે રાજીનામા આપી રહ્યા છે તે પાર્ટી માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાનો આધાર બચાવવાનો પડકાર છે. રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના રાજકારણમાં આવતાની સાથે જ કોંગ્રેસનું આખું તંત્ર પડી ભાંગ્યું હતું.