Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાની વધુ એક સિદ્ધિ

Social Share

દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી નીરજ ચોપડાને આજે દેશના તમામ લોકો જાણે છે, તેણે જે દેેશને ગૌરવ અપાવ્યું છે તેના માટે સૌ કોઈ દરેક દેશવાસી તેમનો આભારી છે ત્યારે હવે નીરજ ચોપડા દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

જાણકારી અનુસાર ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં મંગળવારે નીરજે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો.ચોપડાએ અહીં રમત દરમિયાન 89.30 મીટરનો શ્રેષ્ઠ થ્રો દર્શાવ્યો હતો.આ સાથે તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ સુધાર્યો અને સિલ્વર મેડલ જીત્યો.આ પહેલા નીરજે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન 87.58 મીટરના થ્રો સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.આ થ્રોના બળ પર જ તેણે ટોક્યોમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં રમ્યા બાદ ભાલા ફેંકનાર નીરજ ચોપડાની આ પ્રથમ ટુર્નામેન્ટ છે અને તે પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન નીરજને દિગ્ગજ જેવલિન થ્રોઅર્સનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભૂતપૂર્વ ચેમ્પિયન જોહાન્સ વેટર અને વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સનો સમાવેશ થાય છે.પીટર્સે તાજેતરમાં જ તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સુધારો કર્યો હતો અને ડાયમંડ લીગમાં 93.07 મીટર ભાલો ફેંક્યો હતો.નુર્મી ગેમ્સ 1957 થી ફિનલેન્ડની સૌથી મોટી ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાંની એક છે. તે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂર મીટનો પણ એક ભાગ છે.