Site icon Revoi.in

અમદાવાદમાં સૈન્યની મેડિકલ ટીમને ઉતારાઈઃ DRDO કોવિડ હોસ્પિટલમાં તૈનાત કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધવા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે સૈન્યની 57 સભ્યોની મેડીકલ ટીમને અમદાવાદમાં ઉતારીને  ડીઆરડીઓ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં બેડથી માંડીને ઓક્સિજન તથા રેમડેસિવિર સહિત તમામ સુવિધાઓની અછત છે. લોકો ભટકી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારને ડીઆરડીઓ હોસ્પિટલની દરખાસ્ત કરવામાં આવી હતી તે મંજુર રાખીને ગણતરીના દિવસોમાં ઊભી કરી દેવામાં આવી છે. સૈન્યની મેડીકલ ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

સૂત્રના જણાવ્યા મુજબ  નૌકાદળની 57 મેડીકલ સભ્યો સાથેની ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે. તેમાં ચાર તબીબો, 7 નર્સ, 26 પેરામેડીકલ સ્ટાફ તથા 20 સપોર્ટીંગ સ્ટાફનો સમાવેશ થાય છે. પીએમ કેર ફંડમાંથી ઉભી થયેલી ડીઆરડીઓ હોસ્પિટલમાં તેઓને ફરજ સોંપવામાં આવી છે. અત્યારના તબકકે બે મહિના માટે જવાબદારી આપવામાં આવી છે તે જરૂર પડયે લંબાવવામાં આવશે.સૂત્રોએ કહ્યું હતું કે સૈન્યની 25 મેડીકલ ટીમને કલીકટથી ખાસ વિમાનમાં અમદાવાદમાં મોકલવામાં આવી હતી.

ઓક્સિજન વગેરેની સપ્લાય માટે કેન્દ્ર સરકારે નેવી, વાયુદળ સહિતની સૈન્ય પાંખોની મદદ લેવાનું શરુ કરી જ દીધુ છે. હવે મેડીકલ ટીમોને પણ મદદ માટે ઉતારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ દિવસથી સૈન્ય વડાઓ સાથે બેઠક કરી રહ્યા છે. કોરોના સંકટમાં ઘેરાયેલા દેશને સૈન્ય મદદ માટે રણનીતિ ઘડવાનો આશય લેવાનું સ્પષ્ટ છે. સૈન્યમાં મેડીકલ સ્ટાફ મોટી સંખ્યામાં છે. અત્યાર સુધી ઓક્સિજન સપ્લાય માટે વાયુદળ-નૌકાદળને ઉતારવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલ સહાય માટે પણ મેડીકલ સ્ટાફને ઉતારવાનું શરૂ કરવાના નિર્દેશ છે.