Site icon Revoi.in

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં ગરમીમાં વધારો થતાં પ્રાણીઓ-પક્ષીઓને બચાવવા કરાઈ વ્યવસ્થા

Social Share

ગાંધીનગરઃ ઉનાળાની કાળઝાળ ગરમીની પ્રાણીઓ અને પક્ષીઓને પણ અસર થતી હોય છે. ત્યારે રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પક્ષીઘર, સર્પગૃહને ખસની ટટ્ટીઓથી ઠંડક અપાય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓના પીંજરા પાસે કુલર મુકીને રાહત અપાઈ રહી છે. પાંજરામાં સમયાંતરે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કમાં 600થી વધારે પશુ પક્ષીઓનો વસવાટ છે. પાર્કમાં રાખેલા પ્રાણીઓ, પક્ષીઓ તેમજ સરીસૃપો હિટવેવનો ભોગ ન બને તે માટે 11 કુલર, 80 ખસની ટટ્ટીઓ, સ્પ્રિંકલ અને ફોગરની મદદથી ઠંડક આપવામાં આવી રહી છે. બહારના ખુલ્લા તાપમાન કરતા પાંજરા કે પક્ષીઘર તેમજ સર્પગૃહનું તાપમાન 5 ડીગ્રી ઓછું રહે છે. આ ઉપરાંત પ્રાણીઓને કાળઝાળ ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓને પણ મનુષ્યની માફક ડીહાઇડ્રેશન થઈ જવાની સંભાવના છે. જો પ્રાણીમાં ડીહાઇડ્રેશન થાય તો તે બેસી રહે છે. હલન ચલન કરી શકતું નથી તેની શક્તિ ઘટી જાય છે. તેમના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તે માટે લીલો ઘાસચારો આપવામાં આવે છે. શાહુડી, કાચબાને ગરમીથી બચવા તરબૂચ, દ્રાક્ષ, શક્કરટેટી વધુ આપવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓને પાણીની સાથે ઓઆરએસ પણ આપવામાં આવે છે. માસને પણ ઠંડુ કરીને ખવડાવવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓ ના પાણીના કુંડમાં પાણી ઠંડુ રહે તે માટે બરફ નાખવામાં આવે છે.

ઈન્દ્રોડા નેચર પાર્કમાં કેટલાક પ્રાણીઓ મુક્ત પણે વિહરે છે. નીલગાય, વાંદરા, શાહુડી, મોર સસલા સહિતના વન્યજીવો સમગ્ર નેચર પાર્કમાં મુક્ત રીતે હરે ફરે છે. મુક્ત રીતે વિચરતા પ્રાણીઓ માટે નેચર પાર્કમાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. જેને દરરોજ તાજા પાણીથી ભરવામાં આવે છે. તેમાં ઓઆરએસ પણ નાખવામાં આવે છે. સામાન્ય દિવસોમાં ઈન્દ્રોડા નેચર પાર્કમાં 1500થી 2000 મુલાકાતીઓ આવે છે. જ્યારે ઉનાળુ વેકેશન દરમિયાન 4000 હાજર જેટલા મુલાકાતીઓ આવતા હોય છે.