Site icon Revoi.in

પાટણની રાણકી વાવ પર્યટકો માટે ખૂલતા પ્રવાસીઓનું આગમન

Social Share

પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરીને પર્યટન સ્થળોને પણ મંજુરી આપી દીધી છે. કોરોના કાળમાં  પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આજે બુધવારે સવારથી પર્યટકો માટે ખુલ્લી મુકી છે. જેમાં પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ થયો છે.

પાટણની બેનુન અને ઐતિહાસિક રાણકીવાવને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. કોરોનાને કારણે છેલ્લા દોઢ માસ બંધ રહેલી વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ બુધવારથી પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. જોકે સરકારની કોરોના ગાઈડલાઈન બાદ પર્યટકોએ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળી હતી. તો કેટલાક પ્રવાસીઓ યાદગારી માટે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

રાણકી વાવમાં પ્રવેશ માટે ઓનલાઇન અને ઓફલાઈન ટીકીટની સુવિધા કરવામાં આવી છે. જેમાં ભારતીય પ્રવાસી માટે ઓનલાઈન 35 અને ઓફલાઇન 40 રૂપિયા ટીકીટ છે. જ્યારે વિદેશી માટે ઓનલાઈન 550 અને ઓફ લાઇન 600 રૂપિયા છે. જેથી પર્યટકો રાણકી વાવમાં પ્રવેશ કરવા માટે ઓનલાઇન અથવા ઓફલાઈન સુવિધા મારફતે ટીકીટ મેળવી શકશે.

રાણકીવાવ ખાતે પ્રવાસીઓને ગાઈડ તરીકે કામગીરી કરતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ માસથી અમારી રોજી બંધ હતી. તે ચાલુ થતા આનંદ થયો છે. હવે રોજી પણ મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ રાણકી વાવ બંધ રહેતા અંદાજે 6 લાખથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.