અમદાવાદઃ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ 2023 અંતર્ગત એલિકઝર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ એવી અમદાવાદની પોળો પર વોટરકલર સ્પર્ધા યોજાશે. આ અંતર્ગત ગુજરાતભરના 100થી વધુ ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી તા.13મી ઓગસ્ટને રવિવારે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન કરાશે. જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતા હેરિટેજ વોક પર આવતી તમામ ઐતિહાસિક પોળો પર ચિત્રકારો લાઈવ પેઇન્ટિંગ બનાવશે
એલિકઝર ફાઉન્ડેશનના સ્થાપક અને યુનેસ્કો હેરિટેજ પ્રોગ્રામ કોઓર્ડીનેટર માધીશ પરીખે જણાવ્યું હતુ. કે, આ લાઈવ કોન્ટેસ્ટમાં બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ , સ્ટાર આર્ટિસ્ટ એવોર્ડ અને અપકમિંગ આર્ટિસ્ટ એવોર્ડ સાથે દરેક વિજેતાઓને ત્રણ હજારનું રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર તથા પાંચ કોન્સોલેશન એવોર્ડ વિજેતાઓને એક હજાર લેખે કુલ પાંચ હજારના રોકડ ઇનામ એનાયત કરવામાં આવશે .આ સમગ્ર કાર્યક્રમનું સંકલન એલિક્ઝિર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન દ્વારા થઇ રહ્યું છે. કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદની પોળોમાં ભારતીય સંસ્કૃતિ ઉપરાંત પારિવારિક જીવન વ્યવસ્થા તથા કલાત્મક અને આકર્ષક કાષ્ઠકલા ઉપરાંત ભવ્ય ઐતિહાસિક વારસો સચવાય તેની જાળવણી અંગેની જાગૃતિ સભ્ય સમાજમાં આવે તે યુનેસ્કો દ્વારા જયારે સતત પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે ગુજરાતના કલાસર્જકો અમદાવાદની પોળોને વોટર કલરના માધ્યમથી સપ્તરંગી રંગોમાં સર્જન કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતા હેરિટેજ વોક પર આવતી તમામ ઐતિહાસિક પોળો પર ચિત્રકારો લાઈવ પેઇન્ટિંગ બનાવશે. સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે કલાકારોનું સિલેક્શન થયા બાદ આ લાઈવ ચિત્રકલા સર્જનમાં ભાગ લઇ રહ્યા છે. આર્ટ કોમ્પિટિશનમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવેલ નથી. આ સમગ્ર કાર્યક્રમના કો-ઓર્ડીનેટર નિયતિ બાજપેયી, જીગર પંડ્યા અને કલા પ્રતિષ્ઠાન દ્વારા આ લાઈવ પેઇન્ટિંગ કોન્ટેસ્ટના કો-ઓર્ડીનેટર અજિત ભંડેરી દ્વારા ચિત્રકારો સાથે સતત સંકલન થઇ રહ્યું છે. આ ઉપરાંત 40થી વધુ એલિકઝર ફાઉન્ડેશનના સ્થાપક અને યુનેસ્કો હેરિટેજ પ્રોગ્રામના વોલેન્ટિયર પણ પોતાની સેવા આપી રહ્યા છે.