Site icon Revoi.in

અરૂણાચલ પ્રદેશઃ જેલમાં બંધ 7 કેદીઓ ફિલ્મી સ્ટાઈલમાં સુરક્ષા કર્મચારીઓ ઉપર મરચાનો પાવડર નાખી થયા ફરાર

Social Share

દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશમાં એક જ જેલમાંથી સાતેક કેદીઓ ફરાર થઈ ગયા હતા. આ કેદીઓ ફરાર થવાની ઘટના એકદમ ફિલ્મી છે. કેદીઓએ ફરજ પર તૈનાત પાંચ સુરક્ષા કર્મચારીઓની આંખમાં મરચાનો પાવડર નાખીને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં એક સુરક્ષા કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે. કેદીઓએ જેલના તાળા વડે ગાર્ડ ઉપર હુમલો કર્યાંનું મનાઈ રહ્યું છે. સિયાંગ જિલ્લામાં કેદીઓ ફરાર થવાની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પહેલાથી ભાગવાની તૈયારી કરનારા અભિજીત ગોગોઈ, તોરા હમામ, કલોમ અપાંગ, તાલુમ પનિંગ, સુભાષ મંડલ, રાજા તાયેંગ અને દાની ગૈમલીન નામના કેદીઓએ કાવતરાને અંજામ આપવા માટે પહેલાથી જ પોતાની કોટડમાં મરચાનો પાવડર અને મીઠું એકત્ર કરી રાખ્યું હતું. રાતે જમવા માટે કેદીઓની કોટડી ખોલવામાં આવી ત્યારે સાતેય કેદીઓએ ફરજ તૈનાત સુરક્ષા કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. કેદીઓએ કરેલા હુમલામાં પાંચ જેલ કર્મચારી ઘાયલ થયાં હતા.

પોલીસ મહાનિરીક્ષક ચુખુ આપાએ જણાવ્યું હતું કે, એક કર્મચારીના માથામાં ગંભીર ઈજા થઈ છે. જેલના ભારે લોકથી હુમલો કરવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. તેમજ તેમનો ફોન પણ કેદીઓ લૂંટીને ફરાર થઈ ગયા છે. પોલીસે સાતેય કેદીઓને ઝડપી લેવા તપાસ તેજ બનાવી છે. તેમજ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.