Site icon Revoi.in

ગીરની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ આંબાઓ પર આમ્રમંજરી ન આવી, કેરીના ઉત્પાદનને ફટકો

Social Share

વલસાડઃ આ વખતે કેરીના પાક માટે પ્રતિકૂળ વાતાવરણને કારણે આંબાઓ પર આમ્રમંજરી યાને કે મોર પુરતા આવ્યા નથી. ગીરના તલાળાથી લઈને ઊના પંથકમાં આવેલી આંબાવાડીઓમાં પણ પુરતી સંખ્યામાં આમ્રમંજરીઓ જોવા મળતી હોવાથી જુનાગઢના કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની સલાહ પણ લેવામાં આવી હતી. આવી સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં વલસાડ લઈને છેક નવસારી સુધીની આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ગત વર્ષે કેરીનો ફાલ વ્યવસ્થિત રહ્યો હતો, પણ વાતાવરણીય અસરને પગલે આ વર્ષે 60 ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ્રમંજરી ફૂટી નથી. બીજી તરફ ગરમીનો પારો 35 ડીગ્રી સુધી પહોંચતા કેરીના બેસાણ તો થયું, પણ ખરણ થવાની સંભાવના વધી છે. જેથી આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહેવાની સંભાવના નિષ્ણાંતો સેવી રહ્યા છે.

ઉનાળાના આગમનને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. હાલ સવારે ઝાકળ, બપોરે ગરમી અને રાતે ઠંડીને લીધે કેરીના પાકને અસર થઈ છે. આ વર્ષે ચોમાસા બાદ થયેલા માવઠાથી ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી ફૂટી ન હતી, જે ફૂટી હતી એમાં પણ ભૂકીછારાનો રોગ અને મધીયો લાગી જતા એમાં ખરણ જોવા મળ્યુ હતું. જોકે ખેડૂતોને ઠંડીમાં મોર ફૂટવાની આશા હતી, પણ 8 થી 10 દિવસ જેવી જ યોગ્ય ઠંડી રહી હતી, જેથી 60 ટકા આંબાવાડીઓમાં આમ્રમંજરીઓ ફૂટી નથી. બીજી તરફ છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો 30 ડીગ્રીથી 35 ડીગ્રી વચ્ચે રહે છે અને સવાર તથા સાંજના સમયે ઠંડક તેમજ ઘણીવાર ભેજ પણ જોવા મળે છે. જેથી જે આંબાવાડીઓમાં આમ્રમંજરીઓમાં નાની પારા જેવી કેરીઓનું બેસાણ થયુ હતુ, એમાં પણ ખરણ થવાની તેમજ મોર કાળો પડીને ખરી જાય એવી સ્થિતિ બની છે. વાતાવરણીય સ્થિતિને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. કારણ મોર ખરી પડશે, તો કેરી ક્યાંથી આવશે..? જોકે 8 માર્ચ શિવરાત્રી છે. એ દિવસોમાં ઠંડીનું પ્રમાણ રહે છે. જેથી બાકીની વાડીઓમાં પણ ફૂટ આવે એવી ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે. જો વાતાવરણ સારૂ રહે તો પણ કેરીની મોસમ પાછળ ઠેલાવાની સંભાવના વધી છે.

દક્ષિણ ગુજરાતમાં બદલાતા વાતાવરણે મોસમી પાકોની સ્થિતિ બગાડી છે. ખાસ કરીને બાગાયતી ખેતીમાં કેરી અને ચીકુના પાકમાં વધુ પડતી ગરમીને કારણે ઉત્પાદન પર અસર પડશે. કેરીને 15 ડીગ્રીથી 25 ડીગ્રી આસપાસનું તાપમાન માફક આવતું હોય છે. પરંતુ હાલના દિવસોમાં ગરમીનો પારો 35 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. અને લઘુત્તમ તાપમાન પણ 18 ડીગ્રીથી વધુ રહેતા આંબાવાડીઓ પર ફૂટ આવવામાં મુશ્કેલી ઊબી થઈ છે. જોકે હવામાન વિભાગ દ્વારા હજુ એક વાર ઠંડી પડવાનો વરતારો આપવામાં આવ્યો છે. જેથી આગામી માર્ચ મહિનામાં ઠંડી પડે, તો આમ્રમંજરીઓ આંબાવાડીઓમાં ફૂટે અને ત્યારબાદ ગરમી પણ યોગ્ય માત્રામાં રહે તો કેરીનો પાક સારો રહે એવી આશા પણ સેવાઈ રહી છે. જોકે હાલની સ્થિતિને ધ્યાને લેતા કૃષિ નિષ્ણાંતો પણ આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહે એવી સંભાવના સેવી રહ્યા છે.