Site icon Revoi.in

અમદાવાદના 37 જેટલાં તળાવોમાં રૂપિયા 3.60 કરોડના ખર્ચે સફાઈ કરાશેઃ મ્યુનિ.કોર્પો.એ ટેન્ડર બહાર પાડ્યાં

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન  શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓને સૂચના આપી હતી. શહેરના ચંડોળા તળાવ સહિત જુદા જુદા વિસ્તારમાં આવેલાં કુલ 37 જેટલાં તળાવની અંદાજિત રૂ. 3.60 કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે. બે વર્ષ માટે તળાવોની સફાઈ કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા  છે. મહિનામાં એક વખત તળાવની સફાઈ કરવાની રહેશે. તળાવમાં કચરો જમા ન થાય એનું દરરોજ ધ્યાન રાખવાની પણ કોન્ટ્રેક્ટરની જવાબદારી રહેશે. જોકે હાલમાં જૂની બે એજન્સીને નવા ટેન્ડર બહાર પાડી ત્રણ માસ અથવા નવો કોન્ટ્રેક્ટ ન અપાય ત્યાં સુધી રૂ. 45 લાખના ખર્ચે તળાવની સફાઈ માટે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તળાવોની સફાઈ માટે નવાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. નવા ટેન્ડરની પ્રક્રિયા થાય એ માટે સમય લાગે એમ હોવાથી ત્રણ મહિના અથવા નવા કોન્ટ્રેકટ અપાય ત્યાં સુધી તળાવોની સફાઈ માટે જૂની બે એજન્સીને કોન્ટ્રેક્ટ આપેલો હતો. તેમને સફાઈ માટે રિટેન્ડર કરી કામગીરી સોંપવામાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ છે. અમદાવાદ શહેરના જુદા જુદા ઝોનમાં આવેલાં તળાવોમાં તરતો કચરો, લીલ, વેલ, ઘાસ અને તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન જોવા મળ્યું હતું.

મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ તળાવોની સફાઈ તરફ ધ્યાન જ આપતા ન હતા, જેની ફરિયાદ ઊઠતાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા શહેરના વિકાસને લઇ અમદાવાદમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, ત્યારે શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની સૂચના આપી હતી, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના બે વર્ષ માટે તળાવોની સફાઈ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખાલી ચંડોળા તળાવની સફાઈ પાછળ રૂ. 24 લાખ ખર્ચવામાં આવશે. સૌથી વધુ રૂ. 1 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં આવતાં 10 તળાવની સફાઈ થશે, જેમાં માત્ર લાંભા વોર્ડમાં જ 6 તળાવ આવેલાં છે. ત્યાર બાદ મહિનામાં સફાઈ માટે જરૂરી પ્લાનિંગ કરી અને તરતો કચરો, લીલ, વેલ, ઘાસ દૂર કરવાનાં રહેશે.

તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન ન થાય એ માટે દરરોજ ચેક કરવાનું રહેશે. કોન્ટ્રેકટરે તરવાનું જાણતા હોય તેવા મજૂરો રાખવાના રહેશે તેમજ મજૂરોને કાયદા મુજબ જરૂરી સલામતીનાં સાધનો પણ પૂરાં પાડવાનાં રહેશે. 15 દિવસ દિવસમાં જો સંતોષકારક સફાઈ નહિ હોય તો રૂ. 10 હજાર, 16થી 30 દિવસમાં પણ સંતોષકારક ન હોય તો રૂ. 15 હજાર અને 31થી 45 દિવસમાં સંતોષકારક ન જણાય તો રૂ. 50 હજારની પેનલ્ટી કરવામાં આવશે. કચરાનો નિકાલ રેફ્યુજ સ્ટેશન અથવા નિયત જગ્યાએ ન થાય તો રૂ. 20 હજાર પેનલ્ટી તેમજ એક દિવસમાં કચરાનો નિકાલ ન થાય તો રૂ.10 હજાર અને જાહેર માર્ગ પર કચરો ઢોળાય તો રૂ. 250 બનાવદીઠ પેનલ્ટી થશે.