Site icon Revoi.in

2020માં પાંચ હજાર જેટલા અમીર લોકોએ ભારતને હંમેશા માટે કહ્યું ‘ટાટા-બાય-બાય’

Social Share

નવી દિલ્લી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં રહેવાનો ટ્રેન્ડ વધ્યો છે. દેશમાં રહેતા લોકો હવે વિદેશ તરફ વળી રહ્યા છે અને ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. વર્ષ 2020ની જો વાત કરવામાં આવે તે એક વર્ષમાં પાંચ હજાર જેટલા અમીર ભારતીયોએ દેશને હંમેશા માટે છોડી દીધો છે અને વિદેશમાં વસી ગયા છે. આ જાણકારી ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂ રિપોર્ટથી જાણવા મળી છે.

વર્ષ 2019માં વિદેશ ગયેલા 5.80 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાંથી 2.60 લાખ 2020માં ભારત પરત આવી ગયા હતા. આ રિપોર્ટ વૈશ્વિક સંસ્થા હેન્લે એન્ડ પાર્ટનર્સે જાહેર કર્યો છે. આ પ્રમાણે વિદેશમાં રોકાણની સાથે નાગરિકતા મેળવવાના મામલાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે.

ભારતમાંથી વર્ષ 2021ના પહેલા જ બે મહિનામાં 70000 જેટલા વિદ્યાર્થી વિદેશ ભણવા માટે ગયા છે અને સાથે હવે લોકો વિદેશમાં રોકાણ કરીને સ્થાયી થવા અંગે પણ પૂછી રહ્યા છે. આંધ્રપ્રદેશથી 14 ટકા, પંજાબથી 13 ટકા અને મહારાષ્ટ્રથી 11 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સામેલ છે. સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. જુએર્ગ સ્ટીફન કહે છે કે, ‘લોકોએ સ્થાયિત્વ, સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્યને સૌથી ઉપર રાખતા વિદેશ તરફ પ્રયાણ કર્યું છે. આ કારણે રોકાણ દ્વારા નાગરિકતા મેળવવાના મામલામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે મહામારીથી પહેલા નિવાસની સાથે રોકાણનો વિકલ્પ પ્રચલિત હતો. આમાં અમીરોની સંખ્યા સૌથી વધારે રહીં, કેમકે તે ખર્ચ કરવામાં સક્ષમ હતા.’