Site icon Revoi.in

અમદાવાદના ઈસનપુરમાં ટ્રક પસાર થતાં જ મોટો ભૂવો પડ્યો, ટ્રકના ડ્રાઈવર-ક્લીનરને ઈજા

Social Share

અમદાવાદઃ શહેરમાં હવે તો વગર વરસાદે પણ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. ગુરૂવારે ઈસનપુર વિસ્તારમાં ટ્રક પસાર થતી હતી ત્યારે જ રોડ પર મોટો ભૂવો પડતા ટ્રક પલટી ગઈ હતી, જેથી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ઈજા થઈ હતી.

શહેરના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસેથી સિમેન્ટની થેલીઓ ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ રોડ બેસી જતા યોને ભૂવો પડતા ટ્રકનું ટાયર રોડમાં ફસાઈ જતા ટ્રક પલટી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઇવર અને ક્લીનરને સામાન્ય ઇજાઓ થઈ હતી. રોડ પર પડેલા ભૂવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને ટ્રક અને સિમેન્ટની થેલીઓને ત્યાંથી હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરૂવારે બપોરે શહેરના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસેથી 300 જેટલી સિમેન્ટની થેલીઓ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ રોડ બેસી ગયો હતો અને ભૂવો પડ્યો હતો. જેમાં ટ્રકનું ટાયર ફસાઈ જતા ટ્રક પલટી ગઈ હતી. ખાડામાં ટ્રક ફસાવવાના કારણે બનેલી દુર્ઘટનાથી ડ્રાઇવર અને ક્લીનરને ઇજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસમાં લોકોના ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા. મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ ઝોનના અધિકારીઓને જાણ થતા તેઓ તાત્કાલિક ગોવિંદવાડી ખાતે પહોંચ્યા હતા અને ટ્રકને હટાવવાની કામગીરી શરૂ કરાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે પણ એક ટ્રક પસાર થઈ રહી હતી અને રોડ બેસી ગયો હતો. જેમાં ટ્રક ફસાઈ ગઈ હતી. વાળીનાથ ચોક પાસે પાંચ મહિના પહેલા જે ભૂવો પડ્યો હતો, તેને રિપેર કર્યા બાદ તેના ઉપર રોડ બનાવ્યો હતો. એકદમ પોલાણ વાળો રોડ બનાવ્યો હોવાથી ત્યાંથી ભારે ટ્રક પસાર થતાં જ રોડ બેસી ગયો અને ટ્રક ફસાઈ ગઈ હતી. જેને  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બહાર કાઢી અને ફરીથી ત્યાં બેરીકેટ મારી રોડ બનાવવાની ફરજ પડી હતી. આમ શહેરમાં જ્યાં પણ ભૂવા પડે છે, અથવા ખોદાણ કરવાની કામગીરી કરવામાં આવે છે, ત્યાં યોગ્ય રીતે રોડ બનાવવામાં આવતો નથી. જેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે.