Site icon Revoi.in

ગુજરાતમાં ઉનાળાના આગમન ટાણે તાપમાન 40 ડિગ્રી નજીક પહોચ્યું, હીટવેવની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન ટાણે જ લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. 50 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો હોય, દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં  દર વર્ષે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ઠંડીનું પ્રમાણ જોવા મળતું હોય છે અને માર્ચમાં હોળી બાદ ધીમે-ધીમે ગરમીનો અનુભવ થવા લાગે છે. પરંતુ આ વર્ષે એકદમ વિપરીત જ સ્થિતિ છે, ફેબ્રુઆરીના મધ્યથી ઉનાળાએ દસ્તક દીધી છે અને મહત્તમ તાપમાન વધી રહ્યું છે.  છેલ્લા એક અઠવાડિયાથી બેવડી ઋતુ જોવા મળી રહી છે, બપોરે ગરમી અને મધ્યરાત્રિ બાદ ગુલાબી ઠંડી, જોકે છેલ્લા બે દિવસથી તો રાત્રે પણ એસી અને પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. આશરે 50 વર્ષ બાદ પહેલીવાર ફેબ્રુઆરીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેનો અર્થ એ થયો કે આ મહિનાના બાકીના દિવસોમાં લોકોને એપ્રિલ જેવી ગરમીનો સામનો કરવો પડશે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યમાં દક્ષિણપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાક હીટવેવની આગાહી આપવામાં આવી છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. 48 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે પરંતુ તે પણ માત્ર 2થી 3 ડિગ્રી જેટલો જ રહેશે. બેવડી ઋતુના કારણે લોકો રોગનો પણ ભોગ બની રહ્યા છે. ખાસ કરીને, બાળકો અને વૃદ્ધોમાં બીમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.

શિવરાત્રી પહેલા જ ગુજરાતભરમાંથી શિયાળાએ વિધિવત્ રીતે વિદાય લીધી હતી. અને  હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાન એકાએક 38થી 40 ડિગ્રીની આસપાસ પહોંચતા બપોરથી સાંજના સમયે ઉકળાટનો પણ અનુભવ થાય છે. લોકોના ઘરમાં પંખા શરૂ થઈ ગયા છે. ઋતુ બદલાવાના કારણે લોકોમાં શરદી-ઉધરસ અને તાવની સમસ્યા વધી રહી છે. ડોક્ટરો પણ ઉનાળાની શરૂઆત થતાં જ કામ વગર ઘર બહાર ન નીકળવા અને જો બહાર જવું પડે તેમ હોય તો શરીર ઢંકાઈ તેવા ખુલ્લા વસ્ત્રો પહેરવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી તેમજ જ્યુસ પીવાનું કહે છે.

Exit mobile version